Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લોકડાઉનના કારણે દેશમાં ૩૦% કરતા વધુ રેસ્ટોરન્ટ્સને તાળા

રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksએ ગુરૂવારે નુકસાન ભોગવી રહેલા પોતાના ૧૦૫ ડાઈન-ઈન સ્ટોરને બંધ કરવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી,તા.૮: કોરોના વાયરસની મહામારીના કારણે રેસ્ટોરન્ટ્સને ભારે નુકસાન થયું છે. એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર ભારત દેશમાં ૩૦% કરતા વધારે રેસ્ટોરન્ટ્સ હંમેશાં માટે બંધ થઈ ગઈ છે. નેશનલ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ વાતની જાણકારી આપી છે.

રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksએ ગુરુવારે નુકસાન ભોગવી રહેલા પોતાના ૧૦૫ ડાઈન-ઈન સ્ટોરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપની ડોમિનોઝ પિઝા અને ડન્કિન ડોનટ્સ સહિત કુલ ૧૩૫૪ સ્ટોરનું સંચાલન કરે છે.

રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksના ચેરમેને આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે એવી આશા રાખીને બેઠા છીએ કે વર્ષના અંત સુધીમાં સ્થિતિ સુધરી જશે. કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રેસ્ટોરન્ટ ચેઈનJubilant FoodWorksનવા ૧૦૦ સ્ટોર જોડશે. પણ, તેઓ ફૂડ ડિલિવરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. એપ્રિલ-જૂનના ત્રિમાસિક દરમિયાન રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksના સ્ટોરમાંથી થતા વેચાણમાં ૬૧.૫%નો ઘટાડો થયો છે.

યમ બ્રાન્ડ્સે પણ ૨૯ પિઝા હટ્સ સ્ટોર બંધ કર્યા છે. વાર્ષિક આધારે કેએફસી માટે વેચાણમાં ૭૪% અને પિઝા હટ માટે ૬૬%નો ઘટાડો નોંધ્યો છે. આ ઈન્ડસ્ટ્રીના તમામ એકિઝકયુટિવના જણાવ્યા મુજબ આગામી ૨થી ૩ ત્રિમાસિક દરમિયાન જો કંપનીઓ નુકસાન ઉઠાવી શકશે તો આગળ જતા તેઓને ફાયદો થશે. કોરોના વાયરસની મહામારીના કારણે આ સેકટરને ખૂબ નુકસાન થયું છે. સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બાર બંધ થઈ રહ્યા છે. આ સેકટરમાં ૭૦ લાખ કરતા પણ વધારે ભારતીયો કામ કરે છે.

ગત મહિને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો કે જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ ખતમ થયા પછી પણ આશરે ૩૦% રેસ્ટોરન્ટ ફરી ખુલી નહીં શકે.

(11:57 am IST)