Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ટ્રમ્પની સમર્થકોને શાંતિની અપીલ, ૨૦મીએ સત્તા સોંપશે

બિડેનના વિજય પર મહોર માર્યા બાદ હિંસા : ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો સંદેશ જાહેર કરી હિંસાની નિંદા કરી

વોશિંગ્ટન, તા. ૮ : અમેરિકાના યુએસ કેપિટોલમાં ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શન વચ્ચે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની અપીલ કરી છે. સાથે જ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે, તેમનું ફોક્સ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને સત્તા હસ્તાંતરિત કરવા પર છે. અમેરિકી સંસદ દ્વારા બુધવારે બિડેનની જીત પર મહોર માર્યા બાદ ટ્રમ્પ સમર્થકોએ યુએસ કેપિટોલની ઘેરાબંદી કરી અને પરિસરમાં ઘુસી ગયા હતા. જેને લઇને ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ટ્રમ્પે વીડિયો સંદેશ જાહેર કરી હિંસાની નિંદા કરી છે.

આ પહેલાં, કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશ કરવાની ઘટનાનેલઇને વ્હાઇટ હાઉસ તરફથી પ્રતિક્રિયા આવી છે. વ્હાઇટહાઉસના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે,  ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરીકેલી મેકએનીએ હિંસાની નિંદા કરી.

ટ્રમ્પે કહ્યું કે, ૨૦ જાન્યુઆરીએ એક નવા પ્રશાસનનું ઉદ્ધાટન કરવામાં આવશે. મારું ધ્યાન સત્તાના વ્યવસ્થિત અને સરળ પરિવર્તનને સુનિશ્ચિત કરવા પર છે. આ ક્ષણ શાંતિ અને સંપ માગે છે.

ટ્રમ્પે ૧૬૦ સેકન્ડના વીડિયો સંદેશમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે કામ કરવું મારા માટે જીવનભર માટે સન્માનની વાત છે. તેમણે બુધવારે થયેલ હિંસાની નિંદા કરતાં કહ્યું કે, ફરી શાંતિ સ્થાપિત થવી જોઇએ. જે પ્રદર્શનકારીઓએ કેપિટોલમાં ઘુસણખોરી કરી તેમણે અમેરિકી લોકતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. જે લોકો હિંસામાં સામેલ હતા તે અસલ અમેરિકાનું પ્રદર્શન કરી રહ્યાં નહોતાં.

(12:00 am IST)