Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

દેશહિતમાં વાત કરી તો મારા પર અત્યાચાર : કંગના રનૌત

રાજદ્રોહ કેસમાં કંગના રાનૌતે નિવેદન નોંધાવ્યું : ૧૧ જાન્યુઆરીએ કોર્ટમાં ફરીવખત સુનવણી હાથ ધરાશે

મુંબઇ, તા. ૮ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે રાજદ્રોહના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ દરમિયાન કંગના સાથે તેની બહેન રંગોલી હતી. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં ૮ જાન્યુઆરી સુધી કંગનાની ધરપકડ પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે, કંગના પોતે ૮ જાન્યુઆરીએ પોલીસ સમક્ષ રજૂ થાય. આ કેસમાં ૧૧ જાન્યુઆરીએ કોર્ટ ફરી સુનવણી હાથ ધરશે. મુંબઇ પોલીસ આજે આપવામાં આવેલા કંગનાનું નિવેદન કોર્ટમાં રજૂ કરશે.

કંગનાએ વીડિયો જાહેર કરી કહ્યું કે તેની પર સતત ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. કંગના રનૌતે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, મને માનસિક, ભાવનાત્મક અને હવે શારીરિક રીતે પણ ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. મને દેશમાં કેટલાક જવાબ જોઇએ. હું તમારા લોકો માટે ઊભી થઇ હતી. હવે સમય છે કે તમે મારા માટે ઊભા થાવ. જય હિંદ.

કંગનાએ વીડિયોમાં કહ્યું કે, મેં જ્યારથી દેશના હિતમાં વાત કરી છે તો મારા પર અત્યાચાર કરાઇ રહ્યાં છે. ત્યાં સુધી કે મારું ઘર તોડવામાં આવ્યું. ખેડૂતોના હિતમાં વાત કરવા માટે પણ મારી પર કેસ કરાયો છે. કોરોના દરમિયાન ડોક્ટર્સના હિતમાં વાત કરતાં મારી બહેન રંગોલી પર કેસ કરાયો. તે કેસમાં મારું પણ નામ નાંખવામાં આવ્યું. તે સમયે તો હું ટ્વિટર પર પણ નહોતી. તે કેસ ચીફ જસ્ટિસે રિજેક્ટ પણ કર્યો હતો.

વીડિયોમાં કંગનાએ જણાવ્યું કે, એવો સમય આવી ગયો છે કે મહિલાઓ પોતાનો અવાજ પણ ઉઠાવી શકતી નથી. વીડિયોના અંતમાં તેણે રાષ્ટ્રહિટમાં અવાજ ઉઠાવનારા લોકોને અપીલ કરી છે કે તે બધા સાથે આવે અને આનો વિરોધ કરે. તેણે દેશની જનતાને કહ્યું કે, તે હવે તેની માટે સ્ટેન્ડ લે.

(12:00 am IST)