Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ખાદ્યતેલ પરનો જીએસટી હટાવવાની વેપારી સંગઠનની માંગણી

સપ્લાઇ કરનારા દેશોમાં ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે ખાદ્યતેલના ભાવ આસમાને ગયા છે

મુંબઈ,તા. ૯: દેશમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે ત્યારે તેનો મોટો ફટકો સામાન્ય નાગરિકોને પડી રહ્યો છે. ખાદ્યતેલના ભાવ બેકાબૂ થતા તેના પર નિયંત્રણ લાવવા માટે વેપારી સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી છે. અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘે નાણા પ્રધાન પાસે ખાદ્યતેલ પરનો જીએસટી હટાવવાની માગ કરી છે.

આ અંગે અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ભારતમાં ખાદ્યતેલના ભાવ વૈશ્વિક અસ્થિરતાને કારણે સર્વાધિક સ્તરે છે. છેલ્લા એક મહિનામાં કિંમતોમાં ૧૫ ટકાનો વધારો થયો છે. આવનારા દિવસોમાં પણ નરમાઇની કોઇ અપેક્ષા નથી. અમે સરકારને કેટલાક મહિના માટે ટેરિફ રેટ ઘટાડવાની વિનંતી કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ખાદ્યતેલો પર સબસિડી આપવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

ખાદ્યતેલના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે નવેમ્બરમાં પામતેલ પર આયાત ડયુટીમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો હતો. જોકે, તેનાથી કોઇ મદદ મળી નહીં, કારણ કે નિકાસ કરનારા દેશોએ કિંમતોમાં વધારાની સાથે નિકાસ કરમાં વધારો કર્યો હતો. જથ્થબંધ ભાવોમાં વાર્ષિક ધોરણે રાઇના તેલમાં ૪૦ ટકા, સૂર્યમુખીના તેલમાં ૫૨ ટકા, સોયાબીનના તેલમાં ૩૪ ટકા, ચોખાના તેલમાં ૩૩ ટકા અને પામતેલમાં ૩૭ ટકાનો વધારો થયો છે.

સપ્લાઇ કરનારા દેશોમાં ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે ખાદ્યતેલના ભાવ આસમાને ગયા છે. ભારતીય ખાદ્યતેલના ભાવ વિદેશી બજારો પર આધારિત છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં વપરાશમાં લેવામાં આવતા તેલના ૬૫ ટકાથી વધુ આયાત કરવું પડે છે.

(10:20 am IST)