Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાતઃ PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યકત કર્યુ

માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય કરાયો

અમદાવાદ, તા.૯: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ આજે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં કયારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિગ્ગજ નેતાને શ્રદ્ઘાંજલિ આપી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ઘાંજલિ આપી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે   દ્યેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલિ પાઠવી છે. તો ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં દુખની લાગણી ફરી વળી છે.

મુખ્યમંત્રીએ રાજયમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે ૧૨ કલાકે રાજય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ઘાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ હાલ અમેરિકામાં છે. પિતાના નિધનના સમાચાર સાંભળીને ભરતસિંહ સોલંકી પણ આઘાતમાં સરી પડયા હતા. તેઓ તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા છે.

(11:46 am IST)