Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બજેટ સત્રની તૈયારી અંતિમ તબક્કામાં

બન્ને સદનો પાંચ પાંચ કલાક ચાલી શકે છેઃ પ્રશ્નકાળ પણ પાછો લાવવામાં આવશે

નવી દિલ્હી તા. ૯ : કોરોના મહામારી પછી સંસદનું સત્ર બીજીવાર આયોજીત થવાનું છે. બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ સમયે આમ તો સંસદનો સેન્ટ્રલ હોલ સાંસદોથી ફુલ પેક હોય છે પણ આ વખતે દ્રશ્ય અલગ હશે. ૨૯ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ બજેટ સત્ર દરમિયાન કોરોના અંગેના સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.

કોરોના મહામારી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલીવાર સંસદને સંબોધિત કરશે. લોકસભા અને રાજ્યસભાના સેંકડો સાંસદ તેના સાક્ષી બનશે. આ મહામારીએ એક પ્રધાન અને ત્રણ સાંસદોના જીવ લીધા છે. અમે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે સંસદના શીતકાલીન સત્રને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવાયું હતું.

આગામી બજેટ સત્રમાં આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. જો કે શેડયુલ વધારી શકાય છે. પાછલા સત્રમાં, બંને સદનોમાં કામકાજનો સમય ચાર કલાકનો નક્કી કરાયો હતો. રાજ્યસભાના એક સીનીયર અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે, આ વખતે, બંને સદનોને ઓછામાં ઓછા પાંચ કલાક ચાલાવાશે કેમકે કામનો બોજ વધારે છે.

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા, સામાન્ય બજેટને રજૂ કરવાનું અને તેને પસાર કરાવવાનું ઓછામાં ઓછા દસ મંત્રાલયોના કામ કાજ પર અલગ અલગ ચર્ચા, નાણા ખરડાને મંજુરી આપવાનું જેવી મહત્વપૂર્ણ ગતિવિધિઓ સામેલ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરૂવારે દેહરાદૂનમાં એક સમારંભમાં કહ્યું કે અમે બજેટ સત્રની વ્યાપક તૈયારીઓ કરી છે અને તેનું વિધીવત સંચાલન કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ સત્રમાં પ્રશ્નકાળને પણ સામેલ કરાયો છે.

(11:49 am IST)