Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોવિશીલ્ડ રસીની પહેલી ખેપ મળવામાં વધુ ૪૮ કલાક મોડુઃ આખરે કયાં ફસાયો છે પેચ?

પહેલા ગુરુવારે રસીના જથ્થાની પહેલી ખેપ રવાના થવાની હતી જે બાદ તેને શુક્રવાર પર ઠેલવામાં આવી હતી

પુણે, તા.૯: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)માં તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડ રસીના પહેલા જથ્થાને એરલિફ્ટમાં ફરીથી વિલંબ થયો છે. ૪૮ કલાકના વિલંબ સાથે હવે સોમવાર સુધીમાં આ રસી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી શકે છે. પહેલા ગુરુવારે રસીના જથ્થાની પહેલી ખેપ રવાના થવાની હતી જે બાદ તેને શુક્રવાર પર ઠેલવામાં આવી હતી. જે વચ્ચે અહેવાલ આવ્યા હતા કે કોરોનાની આ રસીના ભાવને લઈને કંપની અને સરકાર વચ્ચે પેચ સર્જાયો છે. જોકે શુક્રવારે SIIએ ખુલાસો કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે રસીની કિંમત અંગે કોઈ પણ પ્રકારની સમજૂતીને કારણે રસીની ડિલિવરીમાં મોડું નથી થઈ રહ્યું.

પુણે એરપોર્ટના ડિરેકટર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, 'કોવિશીલ્ડ રસીને લઈને શુક્રવારે પણ કોઈ કામગારી થઈ ન હતી. અમે અમારા તરફથી સંપૂર્ણપણે તૈયાર છીએ. આમે ખૂબ જ સરળતાથી ટ્રાન્સપોર્ટેશનને સંભાળી શકીએ છીએ. હાલમાં દરરોજ એક દિવસમાં ૧૫૦ ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરી શકીએ છીએ.'

નામ ન હોવાની શરતે એરલાઇનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, 'રસીનું ટ્રાન્સપોર્ટેશન સોમવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. હાલ, આ બાબતે અમારી પાસે વધુ જણકારી નથી. પુણેમાં રસી બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટના પ્લાન્ટમાં પાંચ કરોડ ડોઝ તૈયાર છે. કંપની ભારત સરકારના સત્તાવાર આદેશની રાહ જોઈ રહી છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પુરાવાલાએ અમારા સહયોગીએ જણાવ્યું હતું કે, 'કિંમત અંગે કોઈ સમજૂતી કે સોદાબાજી કરવામાં આવી રહી નથી. રસીના ડોઝના ટ્રાન્સપોર્ટેશન પહેલાં કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી છે. તેમાં એક કે બે દિવસ લાગશે.'

પુનાવાલાએ જાહેરાત કરી હતી કે કોવિશીલ્ડના પહેલા ૧૦ કરોડ ડોઝ સરકારને ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવશે. જયારે ઓપન માર્કેટમાં આ રસી ૧૦૦૦ રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ઉપલબ્ધ થશે. પુનાવાલાએ જણાવ્યું હતું કે, તેમની કંપની દર મહિને પાંચથી છ કરોડ રસીનો ડોઝ તૈયાર કરે છે. આ રસીને પૂણેથી ખાસ ડિઝાઇન કરેલા કન્ટેનરમાં લઈ જવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે કોરોના રસીના ડોઝનો ઉપયોગ ૨૪ કલાકની અંદર કરી શકાય. પુણે એરપોર્ટ ઓથોરિટી રસીના સરળ પરિવહન માટે ખાસ સ્લોટને લઈને કાર્ગો ફ્લાઇટ્સ જેવા વિકલ્પો પણ તૈયાર કરી રહી છે. ડીસીજીઆઈએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પૂણેમાં તૈયાર કરવામાં આવેલી ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીન રસીના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારીઓ, અન્ય ફ્રન્ટ લાઇન કામદારો અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો, વૃદ્ઘોનો સમાવેશ થાય છે.

(3:34 pm IST)