Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

IPL -2020 : સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવીને દિલ્હી કેપિટલ્સની ફાઇનલમાં એન્ટ્રી

સ્ટોઇનિસના ઓલરાઉન્ડ દેખાવ અને રબાડાની હેટટ્રિકની મદદથી દિલ્હી પ્રથમવાર ફાઇનલમાં પહોંચી

અબુધાબીઃ સ્ટોઇનિસના ઓલરાઉન્ડ દેખાવ અને રબાડાની હેટટ્રિકની મદદથી દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના 3 વિકેટે 189 સામે સનરાઇઝર્સ હૈદરાબાદ 8 વિકેટે 172 રન જ કરી શક્યું હતું. કેપિટલ્સનો આ પ્રથમ વખત ફાઇનલ પ્રવેશ છે. દિલ્હી કેપિટલ્સને 190 રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદનો પ્રારંભ ખરાબ રહ્યો હતો. ઇનફોર્મ કેપ્ટન ડેવિડ વોર્નર રબાડાની ઓવરમાં બોલ્ડ થવાની સાથે જ હૈદરાબાદની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝાટકો લાગ્યો હતો.

તેના પછી હૈદરાબાદે પાવર પ્લે પૂરો થાય ત્યાં સુધીમાં પાંચ ઓવરમાં 44 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે કલ્પના ન હતી કે હૈદરાબાદ જીતી શકે છે. પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન ન્યૂ ઝીલેન્ડના કેન વિલિયમ્સનની શાનદાર ઇનિંગ્સ અને તેની જેસન હોલ્ડર અને અબ્દુલ સમદ સાથેની ભાગીદારી હૈદરાબાદને મેચમાં પરત લાવી હતી.

કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરતાં 45 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. તેણે એક છેડે વિકેટો પડવા છતાં પણ બીજા છેડે શાનદાર બેટિંગ જારી રાખી હતી. તેને શાનદાર ટેકો આપતા અબ્દુલ સમદે 16 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટની 57 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારી હતી ત્યારે તો એમ જ લાગ્યું કે હૈદરાબાદ આ મેચ જીતી જશે. પરંતુ સ્ટોઇનિસે બીજા સ્પેલમાં ફરીથી ત્રાટકતા વિલિયમ્સનની વિકેટ ઝડપી હતી.

તે સમયે લાગ્યું કે મેચ પૂરી થઈ ગઈ, પરંતુ રાશીદ ખાને અશ્વિનને એક જ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારી મેચમાં પ્રાણ લાવી દીધો હતો. તેના પછી 19મી ઓવર રબાડાએ નાખી હતી અને તેની આ ઓવરે મેચનું પાસુ જ પલટી નાખ્યું હતું. સમદે છગ્ગો ફટકાર્યા પછી રબાડાએ પછીના સળંગ ત્રણ બોલમાં સમદ, રાશીદ ખાન અને ઋત્વિકની વિકેટ ઝડપીને દિલ્હીનો વિજય સુનિશ્ચિત કરી દીધો હતો. તેણે 4 ઓવરમાં 29 રન આપી ચાર તો સ્ટોઇનિસે 3 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

આ પહેલા દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સને ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય ફળ્યો હતો. ઓપનિંગમાં ઉતારવામાં આવેલા સ્ટોઇનિસ અને શિખર ધવને બીજી ક્વોલિફાયરમાં જબરજસ્ત સ્ટાર્ટ અપાવતા પ્રથમ વિકેટની 86 રનની ભાગીદારી નોંધાવી હતી. ફક્ત 8.2 ઓવરમાં જ સ્ટોઇનિસ અને ધવનની આ ભાગીદારીએ દિલ્હી માટે જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. સ્ટોઇનિસ જોખમી બની રહ્યો હતો ત્યારે જ તેને રશીદ ખાને તેની બીજી ઓવરમાં તેને અફલાતૂન બોલમાં બોલ્ડ કર્યો હતો.

પહેલા વિકેટ પડ્યા પછી કેપ્ટન શ્રેયસ ઐયર પોતે આવ્યો હતો, પરંતુ આજે તે જોઈએ તેવા ફોર્મમાં ન હતો. તે ફક્ત 20 બોલમાં 21 રન કરી હોલ્ડરની ઓવરમાં પાંડેના હાથમાં ઝીલાઈ ગયો હતો. જો કે તેના પછી આવેલા હેટમાયરે ઝડપી રમત દાખવી હતી. તેણે ફક્ત 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 42 રન કર્યા હતા.

આ વખતની સમગ્ર સીઝનની સાથે આજની મેચમાં પણ શિખર ધવને તેનું ફોર્મ જાળવી રાખતા 50 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 78 રન કર્યા હતા. તે છેક 19મી ઓવરમાં સંદીપ શર્માની ઓવરમાં આઉટ થયો હતો, પણ જો તેણે રિવ્યુ લીધુ હોત તો તે નોટઆઉટ નીકળ્યો હોત. તેને પણ રિપ્લે જોયા પછી અફસોસ થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની આજના દિવસમાં ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી હતી. સ્ટોઇનિસ, શિખર ધવન અને શ્રેયસ ઐયર બધાના કેચ છૂટ્યા હતા. સંદીપ શર્મા, હોલ્ડર અને રશીદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

(12:00 am IST)