Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

દેશમાં કોરોનાના ૮૯,૭૦૬ કેસ નોંધાયા, ૧૧૧૫નાં મોત

ભારતમાં કોરોના મહામારીની વણથંભી કૂચ :૨૪ કલાકમાં ૭૪૮૯૪ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ્ય થતા આ આંકડો હવે વધીને ૩૩૯૮૮૪૪ સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા. ૯ :ભારતમાં કોરોના વાયરસના ચેપનો ફેલાવો હજુ પણ જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૮૯૭૦૬ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૪૩૭૦૧૨૮ સુધી પહોંચી ગઈ છે. ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૧૫ લોકોએ કોરોનાને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૭૩૮૯૦ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધર્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૪૮૯૪ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૩૯૮૮૪૪ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૮૯૭૩૯૪ એક્ટિવ કેસ છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૭૫૬૮૭૫૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૯૭૩૫૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૮૫૧૯૪૦૯ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૧૫૧૯૯૩ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

(12:00 am IST)