Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પશ્ચિમ બંગાળમાં બે સગીર બહેનો સાથે ગેંગરેપઃ ૧ની આત્મહત્યાઃ બીજીની હાલત ગંભીર

આરોપીઓ પર બળાત્કાર અને હત્યા માટે પ્રેરિત કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે

કોલકતા,તા.૧૦: પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બે આદિવાસી બહેનો સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ એક બહેને આપઘાત કરીને જીવ આપી દીધો તો બીજી છોકરીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. પીડિત બહેનોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ૧૬ અને ૧૪ વર્ષીય બે બહેનો ૪ સપ્ટેમ્બરે કેટલાક સ્થાનિક યુવકો સાથે નીકળી હતી, ત્યારબાદ તેઓ ૨ દિવસ સુધી ગુમ રહ્યા બાદ ૬ સપ્ટેમ્બરના રોજ ઘરે પરત આવી ગઈ હતી. ત્યારબાદ તેમની તબિયત બગડતા પરિવારજનો તેમને એક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી તેમને ઉત્ત્।ર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રેફર કરી દેવામાં આવી હતી.

પીડિત છોકરીના ભાઈએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં મારી બહેનોએ અમને જણાવ્યું કે તેમની સાથે ૫ લોકોએ બળાત્કાર કર્યો હતો અને તેઓ ત્યાંથી ભાગીને ઘરે પહોંચી છે. ત્યારે અમને ખબર પડી કે ઘરે પરત આવ્યા બાદ તેમણે ઝેર ખાઈ લીધું હતું, જેનાથી તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, મોટી બહેનનું સોમવારે મોત થઈ ગયું. જયારે નાની બહેનની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે, તેમણે આ ઘટના સાથે સંબંધિત ૩ લોકોની ધરપકડ કરી છે અને અન્ય ૨ લોકોની શોધ ચાલી રહી છે. આજે સવારે જયારે શવ ગામમાં પહોંચ્યું તો સ્થાનિક લોકોએ પોલીસ પર સવાલ ઉઠાવતા વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, ગયા મહિને એ જ વિસ્તારમાં વધુ એક ૧૬ વર્ષીય છોકરી સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછીથી શવ સેપ્ટિક ટેન્કમાંથી મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ અત્યાર સુધી એ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી શકી નથી. જિલ્લા પોલીસ અધિકારીઓએ આ આરોપો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્ય ખગેશ્વર રેએ ચાના બગીચાઓમાં કામ કરનારી છોકરીઓના પિતા સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. પોલીસે કહ્યું છે કે, આરોપીઓ પર બળાત્કાર અને હત્યા માટે પ્રેરિત કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(11:34 am IST)