Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

એલન મસ્કની સંપત્તિમાં ફકત ૬ કલાકમાં જ રેકોર્ડ ૧૬.૩ અબજ ડોલરનું ધોવાણ

S&P ૫૦૦ ઇન્ડેકસમાં સામેલ નહીં કરાતા શેર ગગડયા : અમેરિકી શેરબજારમાં કંપનીના શેર ૨૧ ટકા તૂટયા

ન્યુર્યોક,તા.૧૦: ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્કની સંપત્તિમાં મંગળવારે ફકત ૬ કલાકમાં ૧૬.૩ અબજ ડોલરનો તગડો ઘટાડો થયો હતો. તેમની કંપનીના શેરના ભાવમાં ૨૧ ટકાનો કડાકો બોલાયો હતો. આ સાથે જ મસ્કે એક દિવસમાં જેટલી સંપત્તિ ગુમાવી છે તે ભારતમાં ૨૧ કંપનીઓના બજાર મૂલ્યથી પણ વધારે છે. સંપત્તિમાં મોટું ગાબડું પડતા મસ્ક હવે વિશ્વમાં અબજોપતિઓની બ્લૂમબર્ગની યાદીમાં છઠ્ઠા ક્રમે અને ફોર્બ્સની યાદીમાં આઠમા ક્રમે આવી ગયા છે. ઓગસ્ટના અંતમાં તેઓ અબજોપતિઓની યાદીમાં જેફ બેજોસ અને બિલ ગેટ્સ પછી ત્રીજા નંબરે હતા.મંગળવારે કંપનીના શેરના ભાવમાં ૨૧ ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જે એક જ દિવસનો સૌથી મોટામાં મોટો ઘટાડો હતો. ટેસ્લાના શેરના ભાવમાં જંગી ગાબડું પડવા છતાં તેમની કુલ સંપત્તિ ૮૨.૨ અબજ ડોલર હતી. SpaceX તેમજ The Boring Companyની સ્થાપક એલન મસ્કે આ વર્ષે ૫૭.૭ અબજ ડોલરની કમાણી કરી હતી. જયારે એમેઝોનના સ્થાપક જેફ બેજોસે ૭૧.૧ અબજ ડોલરની કમાણી કરી હતી.

ટેસ્લા ઇલેકટ્રીક કાર બનાવતી કંપની છે પણ તેની હરીફ કંપનીઓ નિકોલા કોર્પોરેશન તેમજ જનરલ મોટર્સ વચ્ચે પાર્ટનરશિપના અહેવાલો આવતા તેમજ મસ્કની કંપનીને S&P ૫૦૦ ઇન્ડેકસમાં સામેલ નહીં કરાતા શેર ગગડયા હતા. મંગળવારે ન્યૂ યોર્ક શેરબજારમાં મોટી ઊથલપાથલ થઈ હતી જેમાં એમેઝોનના જેફ બેઝોસે ૭.૯ અબજ ડોલર ગુમાવ્યા હતા.

(11:37 am IST)