Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર : રાજ્યસભામાં કરાયું રિહર્સલ

સંસદના બંને સદનો સતત ૧૯ દિવસ ચાલશે અને રોજ ચાર કલાક કામકાજ થશે

નવી દિલ્હી તા. ૧૦ : રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયાનાયડુ અને તેમના કર્મચારીઓએ બુધવારે સંસદના ચોમાસુ સત્ર પહેલા રિહર્સલ કર્યું. આ તૈયારી કોવિડ-૧૯ મહામારી રોકવા માટેના પ્રતિબંધો હેઠળ કરવામાં આવી, જેમાં ઘણા ઉપાયો દર્શાવાયા છે. સંસદનું આ સત્ર ૧૪ સપ્ટેમ્બર થી ૧ ઓકટોબર સુધી ચાલશે. નાયડુએ સદનમાં રિહર્સલ કર્યું અને પરિમલ નથવાણીને શપથ પણ લેવડાવ્યા.

આંધ્ર પ્રદેશની દ્વિવાર્ષિક ચુંટણીમાં જીત મેળવ્યા પછી તેમને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવડાવાયા હતા. તેઓ ત્રીજીવાર રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા છે. આ પહેલા નથવાણી મે ૨૦૦૮માં પોતાના પહેલા કાર્યકાળ માટે અને એપ્રિલ ૨૦૧૪માં બીજીવાર માટે ચુંટાયા હતા.

સોમવારથી સંસદના ચોમાસુ સત્રમાં સભ્યો ઉપસ્થિત થશે તેને જોતા રાજ્યસભામાં મોટા ડિસ્પ્લે સ્ક્રીન, દીર્ધાઓમાં ઓડિયો કોન્સોલ, બે સદનોને જોડવા માટે ખાસ કેબલ કનેકશન જેવા ઘણા ઇન્તજામ કરવામાં આવ્યા છે. ૧૪ સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર માટે રાજ્યસભાને લોકસભા સાથે જ બોલાવાઇ છે. લોકસભા પહેલા દિવસે સવારે ૯ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને ત્યાર પછી રોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલશે.

કોવિડ-૧૯ સુરક્ષાના દિશાનિર્દેશોના કારણે બંને સદનોમાં બેઠક વ્યવસ્થા અંતર જાળવીને કરવામાં આવશે. સંસદના બંને સદનો સતત ૧૯ દિવસ ચલાશે, આ દરમિયાન કોઇ રજા કે વીક એન્ડ નહીં રખાય. બંને સદનો રોજ ચાર કલાક ચાલશે.

(3:11 pm IST)