Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

'એલએસી પરના તારને અડયા તો ગોળી મારી દેશું'

ભારતીય સૈનિકોની કડક ચેતવણીથી ગભરાઇને ચીની સૈનિકો ગોળી ચલાવી બેઠાઃ ચીની જૂઠાણું

નવી દિલ્હી તા. ૧૦ :.. પેંગોંગ સરોવરના દક્ષિણ વિસ્તારમાં ભારતીય સૈનિકોએ પહાડી મોર્ચે બઢત બનાવવાથી ગભરાયેલું ચીન ધાક ધમકી માટે નવા સ્વાંગો રચી રહ્યું છે. ચીની સૈનિકો એલએસી પર કયારેક ટેંકો અને પોતાના સૈનિકો સાથે આક્રમક મોરચાબંધી સાથે આગળ વધવાની કોશિષ કરે છે. તો તેમની ગભરામણ એટલી છે કે કાંટાળા તારોની વાડ સુધી ન આવવાની ચેતવણીથી ગભરાઇને તેના સૈનિકો હવાઇ ફાયરો પણ કરવા લાગે છે.

ઉચ્ચ હોદો ધરાવતા સુત્રો અનુસાર, રેચિન લા અને રેજાંગ લાની નજીક મુખપરી વિસ્તારની પહાડી ટોચ પર ગત દિવસોમાં ચીની સૈનિકો દ્વારા હવામાં ગોળી ચલાવવાની જે ઘટના બની તે ભારત તરફથી અપાયેલી ફકત એક ચેતવણીના લલકાર પછી થઇ હતી. ભારતીય સૈનિકોએ પહાડની ટોચ પર પોતાની મોર્ચાબંધી મજબૂત બનાવીને ચારે તરફ કાંટાળા તારોની એક વાડ બનાવી રાખી છે. એટલે મુખપિરીની ટોચ પર જયારે ૭ સપ્ટેમ્બરે આક્રમક મુદ્રામાં અને લોખંડના રોડ પર લગાવેલા ધારદાર હથિયારો, અને ભાલાઓ લઇને ચીની સૈનિકો આગળ વધ્યા તો તેમને અત્યંત કડક ચેતવણી આપવામાં આવી કે જો કાંટાળા તારને હટાવ્યા તો ભારતીય સૈનિકો ગોળી ચલાવશે. આ પરિસ્થિતિમાં ગરમા ગરમી સહન કરવામાં નિષ્ફળ ચીની સૈનિકોએ બે વાર હવાઇ ફાયર કર્યા હતાં.

અધિકારીક સુત્રો અનુસાર ચીન સાથેના વાર્તાલાપમાં એ સ્પષ્ટ કરી દેવાયું છે કે જો ભારતીય સૈનિકોને શારિરીક નુકસાન પહોંચાડવનો કોઇ પ્રયાસ થયો તો તેના પરિણામો બહુ ગંભીર આવશે. ઉલ્લેખનીય છે કે ગલવાન સંઘર્ષ પછી એલએસી પર ભારતીય સૈનિકો સામે શારીરિક નુકશાન પહોંચાડતી અથવા જીવલેણ કાર્યવાહી થાય તો બચાવમાં તેમને બંદૂક ચલાવવાની છૂટ આપી દેવાઇ છે.

(3:21 pm IST)