Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના વેક્સિન ટ્રાયલને ફટકો, સિરમે ભારતમાં ટ્રાયલ રોક્યું

ઓક્સફર્ડમાં વેક્સિનની એક દર્દીને આડઅસર થઈ : ટ્રાયલના અપડેટને લઈ સિરમને ડીસીડીઆઈની નોટિસ

પૂણે,તા.૧૦ : સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ કોવિડ-૧૯ વેક્સીન કોવિશીલ્ડની ટ્રાયલ રોકી દીધી છે. દેશભરમાં ૧૭ અલગ-અલગ જગ્યાએ તેની ટ્રાયલ ચાલી રહી હતી. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે હાલમાં સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને એસ્ટ્રેજેનેકાના ટ્રાયલ શરૂ કરવા સુધી ભારતમાં ટ્રાયલ રોકી રહ્યા છીએ. અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના આદેશોનું પાલન કરી રહ્યા છીએ. કંપનીએ આ નિર્ણય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ આપેલી નોટિસ બાદ લીધો છે. એસ્ટ્રેજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો સાથે મળીને આ વેક્સીન બનાવી છે.ડીસીજીઆઈ એ સીરમ ઈન્સ્ટિટ્યુટને વેક્સીન ટ્રાયલને લઈને નોટિસ ફટકારી હતી.

           કારણ દર્શક નોટિસ જાહેર કરતા ડીસીજીઆઈ એ કહ્યું હતું કે સીરમ ઈન્સ્ટિટ્યુટે ટ્રાયલને લઈને તાજા અપડેટ્સ આપ્યા નથી. ડીસીજીઆઈના ડોક્ટર વીજી સોમાણીએ નોટિસનો તાત્કાલિક જવાબ આપવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કંપની જવાબ નહીં આપે તો માની લેવામાં આવશે કે તેમની પાસે સ્પષ્ટતા કરવા માટે કંઈ નથી અને બાદમાં કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એસ્ટ્રેજેનેકાએ ટ્રાયલ રોકવાની જાહેરાત કર્યા બાદ પણ સીરમ ઈન્સ્ટિટ્યુટે ટ્રાયલ જારી રાખવાની વાત કહી હતી. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, બ્રિટનમાં ચાલી રહેલી ટ્રાયલ અંગે અમે વધારે કંઈ કહી શકીએ નહીં. સીરમ ઈન્સ્ટિટ્યુટે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલી ટ્રાયલની વાત છે તો તેમાં કોઈ સમસ્યા સામે આવી નથી.

          ભારતમાં ગત મહિને ઓક્સફોર્ડની વેક્સીનના ફેઝ ૨ અને ફેઝ ૩ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટે એસ્ટ્રેજેનેકા સાથે કોવિડ-૧૯ વેક્સીનના એક અબજ ડોઝ બનાવવાની ડીલ કરી છે. સીરમ ભારતમાં આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. અત્યાર સુધી દેશમાં અંદાજીત ૧૦૦ લોકોને આ વેક્સીન આપવામાં આવી છે.સીરમ ઈન્સ્ટિટ્યુટે પોતાનો જવાબ ડીસીજીઆઈને સોંપશે. જોકે, મોટા ભાગનો આધાર એસ્ટ્રેજેનેકા પર રહેશે કે તપાસમાં શું સામે આવે છે. ટ્રાયલ અસ્થાઈ રીતે એટલા માટે રોકી દેવામાં આવી છે જેથી બીમારી અંગે વધારે જાણકારી મેળવી શકાય. હજી તે સ્પષ્ટ થયું નથી કે તેમાં કેટલો સમય લાગશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વેક્સીનની ટ્રાયલમાં આવી મુશ્કેલીઓ જોવા મળે છે.

(9:26 pm IST)