Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોંઘવારીના ડાકલા...દાળ, તેલ, ગોળ, મીઠુ, શાકભાજી બધુ જ મોંઘુ થયું

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ મોંઘવારીનો રાક્ષસ ધૂણવા લાગ્‍યોઃ તમામ ચીજવસ્‍તુઓના ભાવ ભડકે બળ્‍યા : મોંઘવારી ક્‍યાં જઈને અટકશે ? મધ્‍યમ વર્ગનો એક જ સવાલઃ કોરોના પછી હવે મોટી થપાટ મારશે મોંઘવારી

નવી દિલ્‍હી, તા. ૧૧ :. છેલ્લા એક સપ્તાહની અંદર તેલથી લઈને દાળ અને બટેટા, ડુંગળી, ટમેટાથી લઈને ગોળ અને મીઠા સુધીના ચીજવસ્‍તુઓના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્‍યો છે. રીટેલ બજારમાં ઘઉં, ચોખા અને લોટના ભાવમાં પણ ફુંફાડો આવ્‍યો છે.

ઉપભોકતા મંત્રાલયની વેબસાઈટ ઉપર આપવામા આવેલા રીટેલ કેન્‍દ્રના આંકડાઓ અનુસાર ૩ જાન્‍યુઆરી ૨૦૨૧ની સરખામણીમાં ૧૦ જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજ પેકીંગમા મળતા પામતેલના ભાવ ૧૦૫થી વધીને ૧૧૧ થઈ ગયા છે. જ્‍યારે સુરજમુખી તેલ ૧૩૫થી ૧૩૮ અને સરસઉ તેલ ૧૩૭થી ૧૪૩ પ્રતિ લીટર થઈ ગયુ છે. વનસ્‍પતિ તેલ ૪.૫ ટકા મોંઘુ થઈને ૧૦૭થી ૧૧૨ રૂા. પ્રતિ લીટર થઈ ગયુ છે.

આ દરમિયાન ડુંગળીના ભાવ ૨૩ ટકા વધ્‍યા છે. ૩ જાન્‍યુઆરીના રોજ ડુંગળીનો સરેરાશ ભાવ ૩૧.૪૦ પ્રતિ કિલો હતો જ્‍યારે હવે તે રૂા. ૩૮.૮૨ થયો છે. આ ગાળામાં ટમેટાના ભાવમાં ૪ ટકા અને બટેટાના ભાવમા ૨૩.૭૨ ટકાનો વધારો થયો છે, તો મીઠાનો ભાવ પણ ૧૩ ટકા વધી ગયો છે. ગોળની ડીમાન્‍ડ વધતા તેનો ભાવ પણ વધ્‍યો છે. એક સપ્તાહમાં ગોળ ૪૩ રૂા. કિલો હતો તે હવે ૪૮.૫૫નો થયો છે.

જો દાળની વાત કરીએ તો મંત્રાલયની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડા અનુસાર તુવેરની દાળમાં મામૂલી વધારો થયો છે. મગની દાળ ૧૦૪ રૂા. કિલોથી ૧૦૫ થઈ છે તો અડદની દાળ ૧૦૬ થી ૧૦૯ થઈ છે. મસુર દાળ ૭૮થી ૮૨ રૂપિયે પહોંચી ચુકી છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે એગ્રી કોમોડીટીમાં અપરસર્કિટ લાગી છે. જેમા ૨૦ ટકાનો વધારો થયો છે. અપરસર્કિટ લાવવામાં જઉ, ચણા, કપાસનું તેલ, સરસઉના બીજ, સોયા તેલ, સોયાબીન અને હળદરની મુખ્‍ય ભૂમિકા છે. આનુ કારણ છે કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી. જેના કારણે અનેક રાજ્‍યોમાં પાકને નુકશાન થયુ છે. કમોસમી વરસાદથી સરસઉ અને બટેટાના પાકને નુકશાન થયુ છે. ઈન્‍ડોનેશીયા અને મલેશીયામાં સંભવિત પૂરથી પામ તેલની સપ્‍લાયને અસર થઈ છે. બર્ડ ફલુની પણ માઠી અસર થઈ છે.

(4:05 pm IST)