Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

બિહાર : બેકરીમાં કન્ફર્મ રેલવે ટિકિટનો ગોરખધંધો પકડાયા

પોલીસે ૨૨ લાખ કરતાં વધુની ટિકિટો જપ્ત કરી : પટણામાં રેલવે પોલીસે રેડ પાડીને ટિકિટ દલાલને ઝડપ્યો

પટણા, તા. ૧૦ : રેલવે પોલીસે દેશના વિવિધ ભાગમાં દરોડા પાડીને એક સોફ્ટવેર મારફતે કન્ફર્મ રેલવે ટિકિટનો ગોરખધંધો કરતા ગ્રૂપનો પર્દાફાશ કર્યો છે. રેલવે સુરક્ષા દળની ટીમે બુધવારે બિહારની રાજધાની પટનામાં આવેલી એક બેકરીની દુકાનમાં રેડ પાડી હતી. આ દુકાનમાં પણ આવું જ કૌભાંડ ચાલતું હતું. સુરક્ષા દળે પટણામાંથી એક ટિકિટ દલાલની ધરપકડ કરી છે. જે પોતાની બેકરીની દુકાનની આડમાં ઇ-ટિકિટની દલાલી કરતો હતો. કાસિફ ઝાકિર નામના આ વ્યક્તિ પાસેથી પોલીસે ૨૨ લાખ કરતાં વધારે કિંમતની ઇ ટિકિટ જપ્ત કરી છે.

કાસિફ જાકિર પટણા સિટીના અગ્રવાલ ટોલા વિસ્તારનો રહેવાસી છે. આ વ્યક્તિ એક ડઝન કરતા વધારે સોફ્ટવેર દ્વારા રેલવેની ઇ ટિકિટ બનાવતો હતો અને બાદમાં ઉંચા ભઆવે વેચતો હતો. રેલવે સુરક્ષા દળે તેને જેલમાં ધકેલ્યો છે. જ્યારે પોલીસ બાતમીના આધારે રેડ પાડવા પહોંચી તો ત્યાં કોઇ નહોતું. બેકરીમાં કામ કરતો સ્ટાફ જ હતો. પરંતુ વધારે તપાસ કરતાં સામે આવ્યું કે કાસિફ દુકાનના પાછળના ભાગમાં બેસીને ઇ ટિકિટ બનાવવાનું કામ કરતો હતો. તેનું ઘર પણ બેકરીને અડીને જ આવેલું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બેકરી તો માત્ર નામની હતી, બાકી કાસિફનો મુખ્ય ધંધો તો ટિકિટ બનાવવાનો હતો. ખાસ કરીને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને તે ઉંચા ભાવે ટિકિટ વેચતો હતો. રેડ દરમિયાન કાસિફ પાસેથી ૨૨ લાખ ૪ હજાર રૂપિયાની કન્ફર્મ ટિકિટ મળી આવી છે. આ વ્યક્તિ તત્કાલ ટિકિટ બુક કરવા માટે રિયલ મેંગો, એએનએમએસ, રેડ મિર્ચિ સહિતના સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો.

(12:00 am IST)