Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વિદેશમાં પૈસા મોકલનારને લાગશે ઝટકો : ૧ ઓકટોબરથી દેશભરમાં બદલાઇ રહ્યા છે નિયમો

૫ % ટીસીએસ આરબીઆઇની લિબરાઇઝડ રેમિટેન્સ સ્કીમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવતા નાણાં પર ચૂકવવું પડશે

 નવી દિલ્હી,તા.૧૨: વિદેશમાં પૈસા મોકલો છો, તો હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેમાં કેટલાક નિયમો ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે તેઓએ ૧ ઓકટોબરથી લાગુ કરાયેલ ટીસીએસ (ટેકસ કલેકટેડ એટ સોર્સ)ની જોગવાઈને ધ્યાનમાં રાખવી પડશે.

વર્ષ ૨૦૨૦ ના ફાઇનાન્સ એકટ મુજબ ૫% ટીસીએસ આરબીઆઈની લિબરાઇઝડ રેમિટેન્સ સ્કીમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવતા નાણાં પર ચૂકવવું પડશે. જો કે સરકારે આ કેસમાં થોડી છૂટ આપી છે, જે અંતર્ગત વિદેશમાં મોકલવામાં આવતા તમામ નાણાં પર આ કર લાગુ થશે નહીં. ઉદાહરણ તરીકે જો મોકલેલી રકમ ૭ લાખ રૂપિયાથી ઓછી હોય અથવા ટૂર પેકેજ ખરીદે તો આ નિયમ લાગુ થશે નહીં. વધુમાં રૂ.૭ લાખથી વધુની રકમ પર આ ટેકસ ત્યારે જ લાગુ થશે જયારે આ રકમ કોઈ ટુર પેકેજ માટે નહીં હોય.

ઘણા ભારતીયો વિદેશના અભ્યાસ માટે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈને અભ્યાસ માટે વિદેશી દેશોમાં મોકલવામાં આવતા નાણાં ૭૦૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ૦.૫% ટીસીએસ લાગૂ કરવામાં આવશે. વધુમાં જો વિદેશોમાં મોકલવામાં આવતા કરદાતાઓ પર જો ટીડીએસ લાગુ થઈ ચૂકયો છે, તો ટીસીએસને લગતી જોગવાઈઓ તેમના પર લાગુ નહીં થાય. ૧૭ માર્ચના રોજ ફાઇનાન્સ એકટમાં આ નિયમોની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ૧ ઓકટોમ્બરથી તે લાગુ થશે.

(11:25 am IST)