Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

TRP વિવાદ : બજાજ બાદ હવે પાર્લે કંપની પણ ટીવી પર નહિ કરે પોતાની જાહેરાત

કંપની સમાજમાં ઝેર ભેળવવા જેવી સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર જાહેરાત નહીં આપે

મુંબઈ :મુંબઈ પોલીસે 'ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ' (ટીઆરપી) સાથે છેડછાડ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ, અગ્રણી જાહેરાતકારો અને મીડિયા એજન્સીઓ કહે છે કે તેઓ હવે બારીકાઈથી નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્લેના ઉત્પાદનો બનાવતી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે ટીવી પર પાર્લેજી બિસ્કીટની જાહેરાત નહીં કરે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે માહિતી આપી હતી

કંપનીના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું હતું કે, કંપની સમાજમાં ઝેર ભેળવવા જેવી સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર જાહેરાત નહીં આપે. તેમણે કહ્યું, "અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ કે જેમાં અન્ય જાહેરાતકર્તાઓ એક સાથે ભેગા થાય અને ન્યૂઝ ચેનલો પર તેમની જાહેરાતના ખર્ચ પર સંયમ રાખે. જેથી બધી ન્યૂઝ ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમને તેમની સામગ્રી બદલવી પડશે." '

તેમણે કહ્યું હતું કે આક્રમકતા અને સામાજિક નુકસાનને પ્રોત્સાહન આપતી ચેનલો તે નથી જેના પર કંપની પૈસા ખર્ચવા માંગે છે કારણ કે તે તેમની ટાર્ગેટ ઓડિયન્સ નથી. લોકો સોશિયલ મીડિયા પર કંપનીએ લીધેલા આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ કહ્યું, "આ દેશ માટે સારું છે." બીજા વપરાશકર્તાએ લખ્યું, 'ઉત્તમ પહેલ.' ત્રીજા વપરાશકર્તાએ કહ્યું, 'ખૂબ સરસ. સન્માનિય. વધુમાં વધુ કંપનીઓએ આ માર્ગ પર ચાલવું જોઈએ. ચોથા વપરાશકર્તાએ કહ્યું, "આ માત્ર શરૂઆત હોઈ શકે છે, આશા છે કે વધુ કંપનીઓ તેનું પાલન કરશે અને એક સકારાત્મક પરિવર્તન જોવા મળશે."

પાર્લેજી પહેલાં બજાજ ઓટોના ઉદ્યોગપતિ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે કહ્યું હતું કે તેમની કંપનીએ ત્રણ ન્યૂઝ ચેનલોને બ્લેકલિસ્ટ કરી છે. રાજીવ બજાજે કહ્યું, 'એક મજબૂત બ્રાન્ડ એ પાયો છે જેના પર તમે મજબૂત વ્યવસાય કરો છો. દિવસના અંતે, એક વ્યવસાયનો હેતુ પણ સમાજમાં પોતાનો થોડો ફાળો આપવાનો છે. અમારી બ્રાન્ડ ક્યારેય એવી કોઈ પણ વસ્તુ સાથે જોડાયેલી નથી કે જેને આપણે સમાજમાં ઝેર ફેલાવનાર સ્ત્રોત તરીકે માનીએ છીએ.

(12:59 pm IST)