Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

લદાખ તણાવઃ ભારતની સ્પષ્ટ વાત

ચીન એપ્રિલ પહેલાંની યથાસ્થિતિ પૂર્વવત કરેઃ સૈનિકોને હટાવે

નવી દિલ્હી, તા.૧૩: પૂર્વ લદાખમાં તણાવના સમાધાન માટે ભારતે સોમવારે ચીન  સાથે સાતમા તબક્કાની સૈન્ય વાર્તામાં ચીનને એપ્રિલ પહેલાની યથાસ્થિતિ પૂર્વવત કરવા અને વિવાદના તમામ પોઈન્ટ્સથી ચીની સૈનિકોની સંપૂર્ણ વાપસી કરાવવાનું કહ્યું. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે પૂર્વ લદાખમાં કોર કમાન્ડર સ્તરની વાર્તા બપોરે લગભગ ૧૨ વાગે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુશુલના ભારતીય વિસ્તારમાં થઈ. સરહદ વિવાદ છઠ્ઠા મહિનામાં પ્રવેશી ચૂકયો છે અને વિવાદના જલદી ઉકેલના કોઈ સંકેત નથી કારણ કે ભારત અને ચીને ખુબ જ ઉંચાઈવાળા વિસ્તારોમાં લગભગ એક લાખ જેટલા સૈનિકો તૈનાત કરી રાખ્યા છે જે લાંબા ગતિરોધ માટે અડગ  રહેવાની તૈયારી છે.

વાર્તા અંગે હજુ કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું પરંતુ સૂત્રોએ કહ્યું કે એજન્ડો વિવાદના તમામ પોઈન્ટ્સથી સૈનિકોની વાપસી માટેની વાતને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. ભારતીય પ્રતિનિધિત્વમંડળનું નેતૃત્વ લેહ સ્થિત ૧૪મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ અને વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા મામલાના સંયુકત સચિવ નવીન શ્રીવાસ્તવ કરતા હતા. એવું કહેવાય છે કે વાર્તામાં ચીની વિદેશ મંત્રાલયનો એક અધિકારી પણ ચીની પ્રતિનિધિમંડળનો ભાગ છે.

સૂત્રોએ જણાવ્યું કે વાર્તામાં ભારતે ભારપૂર્વક કહ્યું કે ચીને વિવાદના તમામ પોઈન્ટ્સથી પોતાના સૈનિકોને જલદી અને સંપૂર્ણ રીતે પાછા બોલાવી લેવા જોઈએ તથા પૂર્વ લદાખમાં તમામ વિસ્તારોમાં એપ્રિલ પહેલાની સ્થિતિ પૂર્વવત કરવી જોઈએ. આ ગતિરોધ  પાંચ મેના રોજ શરૂ થયો હતો.

રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સીડીએસ જનરલ બીપિન રાવત, અને સેનાના ત્રણેય પાંખોના પ્રમુખ સહિત ચીન અધ્યયન સમૂહ (સીએસજી)એ સૈન્ય વાર્તા માટે શુક્રવારે ભારતની રણનીતિને અંતિમ રૂપ આપ્યું.

સીએસજી ચીન અંગે ભારતની મહત્વપૂર્ણ નીતિ નિર્ધારક શાખા છે. સાતમા તબક્કાની સૈન્ય વાર્તા શરૂ થતા પહેલા સૂત્રોએ  કહ્યું હતું કે ભારત પેન્ગોંગ નદીના દક્ષિણ કિનારે અનેક રણનીતિક ઊંચાઈઓથી ભારતીય સૈનિકોની વાપસીની ચીનની માગણીનો મજબૂતાઈથી વિરોધ કરશે.

(9:56 am IST)