Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આઈટી શેરોમાં ઊછાળાથી સેંસેક્સ-નિફ્ટીમાં વધારો

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બજારમાં સુધારો : સેન્સેક્સમાં સતત નવ ટ્રેડિંગ સેશનમાં તેજી : કોટક બેંક, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિસના શેરોના ભાવ વધ્યા

મુંબઈ, તા. ૧૩ : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક સ્ટોક બજારોમાં અસ્થિર બિઝનેસમાં મંગળવારે થોડો વધારો થયો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૩૧.૭૧ પોઇન્ટ અથવા ૦.૦૮ ટકા વધીને ૪૦,૬૨૫.૫૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સમાં સતત નવ ટ્રેડિંગ સેશનમાં ફાયદો નોંધાઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૩.૫૫ પોઇન્ટ અથવા ૦.૦૩ ટકા વધીને ૧૧,૯૩૪.૫૦ ની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેકનો હિસ્સો લગભગ ચાર ટકાના સ્તરે સૌથી વધુ રહ્યો. કોટક બેંક, ઇન્ફોસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રા પણ વધ્યા હતા. બીજી બાજુ ટાઇટન, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ અને બજાજ ફાઇનાન્સમાં ઘટાડો થયો છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ઉત્તેજનાના પગલાની અપેક્ષાઓ વચ્ચે બજારમાં તાજેતરના સુધારો થયો છે. જો કે, રોકાણકારો ઉત્તેજનાના પગલાથી ખુશ નથી. બીજા ક્વાર્ટરના પરિણામો પૂર્વે આઇટી કંપનીઓના શેરમાં વૃદ્ધિ નોંધાઈ છે. અન્ય એશિયન બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, જાપાનની નિક્કી નફોમાં હતા. તે જ સમયે, સાઉથ કોરિયાની કોસ્પી નુકશાનમાં હતી. હોંગકોંગ માર્કેટમાં રજા હતી. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો પણ નુકસાનમાં હતા. આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ ૧.૭૩ ટકા વધીને ૪૨.૪૪ ડોલર પ્રતિ બેરલ રહ્યું છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો સાત પૈસા તૂટીને ૭૩.૩૫ ના સ્તરે બંધ રહ્યો છે.

       મંગળવારે ડોલર મજબુત થતાં અને સ્થાનિક શેરમાં ઘટાડો થતાં રૂપિયાનો વિનિમય દર અમેરિકન ચલણની સામે સાત પૈસા તૂટીને ૭૩.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો નબળો રહ્યો છે અને કારોબારના અંતે સાત પૈસાના ઘટાડા સાથે ડોલર દીઠ ૭૩..૩૫ પર બંધ રહ્યો છે. સોમવારે બંધ ભાવ ડોલર દીઠ ૭૩.૨૮ હતો. વેપાર દરમિયાન, વિનિમય દર ૭૩.૩૨-૭૩.૪૧ ની રેન્જમાં વધ-ઘટ થયો. દરમિયાન, છ મોટી મુદ્રાઓ સામે ડોલરની ગતિ પ્રતિબિંબિત કરતું ડોલર ઇન્ડેક્સ ૦.૧૮ ટકા વધીને ૯૩.૨૩ પર પહોંચી ગયું છે. બજારના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે નબળા સ્થાનિક આર્થિક ડેટા બહાર આવ્યા પછી રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવો આઠ મહિનાની ઊંચી સપાટીએ વધીને ૭..૩૪ ટકા થયો છે, જે રિઝર્વ બેંક માટે ચિંતાજનક છે. ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ઘટાડો થયો.

(7:27 pm IST)