Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોશ્યારીની ટિપ્પણ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે-સંજય રાઉત વિફર્યા

મંદિર ખોલવા મુંદ્દે રાજ્યપાલ-મુખ્યમંત્રી સામ-સામે : બાર ખોલનારા મુખ્યમંત્રી મંદિરો શા માટે ખોલતા તેને લઈને રાજ્યપાલના પ્રહાર સામે શિવસેનાનો પલટવાર

મુંબઈ, તા. ૧૩ : મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોને ખોલવાને લઇને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ઉદ્ધવ ઠાકરે સરકાર સામ-સામે આવી ગયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ મંદિર ખોલવાની માગ કરતા રાજ્યપાલે હિંદુત્વની વાત યાદ અપાવી તો શિવસેના ભડકી ઉઠી છે. હિંદુત્વ પર ઉદ્ધવ ઠાકરે બાદ હવે શિવસેના નેતા સંજય રાઉતે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે શિવસેના હિંદુત્વ ના ભૂલી છે અને ના ક્યારેય ભૂલશે. ઉલ્લેખનીય છે કે મંદિર ખોલવાની માંગ બાદ સંજય રાઉતે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી હતી.

     સંજય રાઉતે કહ્યું કે, "શિવસેનાએ હિંદુત્વને ક્યારેય નકાર્યું નથી, ના ભૂલ્યું છે અને ના ક્યારેય ભૂલશે. હિંદુત્વ શિવસેનાનો પ્રાણ છે. આત્મા છે અને હંમેશા સાથે રહેશે. જેમણે શિવસેના પર પ્રશ્ન ઉઠાવ્યો છે તેમણે આત્મચિંતન કરવું જોઇએ, જે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ૩ પાર્ટીની સરકાર ચાલી રહી છે, તે ઘણી મજબૂત છે અને નિયમોનું પાલન કરીને ચાલી રહી છે." તેમણે આગળ કહ્યું કે, "મંદિર અને બારની તુલના કરવી ખોટું છે. વડાપ્રધાન મોદીએ પણ આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી. જો દેશના પીએમને અહીં કોરોનાનો ખતરો લાગી રહ્યો છે તો મહારાષ્ટ્રના રાજ્યપાલે વિચારવું જોઇએ."

         ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને મંદિર ખોલવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ૧ જૂનના તમે મિશન ફરી શરુ કરવાની જાહેરાત કરી, પરંતુ ૪ મહિના બાદ પણ પૂજા સ્થળ ફરી નથી ખુલ્યા. તેમણે કહ્યું હતુ કે, આ વિડમ્બના છે કે સરકારે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દીધા છે, પરંતુ દેવી અને દેવતાઓના સ્થળને નથી ખોલ્યા. તેમણે કહ્યું કે, તમે હિંદુત્વના મજબૂત પક્ષધર રહ્યા છો. તમે ભગવાન રામ પ્રત્યે સાર્વજનિક રીતે પોતાની ભક્તિ વ્યક્ત કરી. શું તમે અચાનક ખુદને ધર્મનિરપેક્ષ બનાવી લીધા છે જે શબ્દથી તમને નફરત છે?

         રાજ્યપાલની ચિઠ્ઠીનો ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ધાર્મિક સ્થળોને ખોલવાને લઇને સરકાર વિચાર કરી રહી છે, પરંતુ જે રીતે એકદમ લોકડાઉન કરવું ખોટું પગલું હતું, એ જ રીતે બધું એકદમ અનલોક કરવું પણ ખોટું હશે. આ સાથે જ તેમણે કહ્યું કે, તમે મને હિંદુત્વવાદી કહ્યો એ યોગ્ય છે, પરંતુ મારે તમારા હિંદુત્વવાદના સર્ટીફિકેટની જરૂરિયાત નથી. ધાર્મિક સ્થળોને ના ખોલ્યા તો સેક્યૂલર અને ખોલી દીધા તો હિંદુત્વવાદી આ જ તમારી વિચારસરણી છે શું?

(9:13 pm IST)