Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કુલ પાંચ બેંકો ખાનગીકરણની યાદીમાં છે

બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડીયન ઓવરસીઝ બેંકનું ખાનગીકરણ ? આજે લાગશે મંજુરીની મ્હોર

નવી દિલ્હી,તા. ૧૪: આજે એટલે કે બુધવારે  બેંકિંગ સેકટર માટે  બહું મહત્વનો છે. બેંકના ખાનગીકરણની પહેલી પ્રક્રિયા માટે સરકાર ઓછામાં ઓછા ૨ સાર્વજનિક સેકટરની બેંકો પર નિર્ણય લઈ શકે છે. અનેક મીડિયા રિપોર્ટ મુજબ ખાનગીકરણ માટે શકય બેંકોના નામને અંતિમ રુપ આપવા માટે ૧૪ એપ્રિલે ભારતીય રિઝર્વ બેંક, નાણા મંત્રાલયની સેવાઓ અને આર્થિક મામલાઓના વિભાગો વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે બેઠક થશે. આમાં અનેક નિર્ણય આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે ચારથી ૫ પીએસબીનુ સૂચન નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યું છે અને બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે.

નીતિ આયોગે ૪-૫ બેંકોના નામ સૂચવ્યા છે મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં કોઈ બેના નામ નક્કિ કરી લેવામાં આવશે. પ્રાઈવટાઈજેશનની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક,  બેંક ઓફ ઈન્ડિયા , સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. 

ખાનગીકરણના પહેલા ફેઝમાં સરકાર બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન ઓવર્સીસ બેંકના નામ પર મોહર લગાવી શકે છે. મંગળવારે આ બેંકોના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર આપવામાં આવેલી જાણકારી મુજબ અનેક ડીલ્સ હેઠળ ૧ લાખથી વધારે શેરમાં ફેરફાર બાદ બીએસઈ પર મંગળવારે બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં ૧૫.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

નીતિ આયોગ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત જે બંકોનું છેલ્લા કેટલાક સમયથી એકિકરણ કરવામાં આવ્યું છે તે બેંકોનું પ્રાઈવટાઈજેશન નહીં થાય. આ સમયે દેશમાં ૧૨ સરકારી બેંક છે. રિપોર્ટના આધાર પર ખાનગીકરણની લિસ્ટમાં એસબીઆઈ ઉપરાંત પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને બેંક ઓફ બરોડા નથી.

ઉલ્લેખનીય છે કે સરકારના બજેટમાં બેંકોના ખાનગીકરણનું એલાન કરવામાં આવ્યું હતુ. આવનારા કારોબારી વર્ષમાં ૨ બેંકોના ખાનગીકરણની તૈયારી છે. ખાનગીકરણની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીજ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. અત્યાર સુધી ખાનગીકરણની લિસ્ટમાં બેંકોની અંતિમ પસંદગી નથી કરવામાં આવી.  નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીએ ૨૦૨૧-૨૨ નું બજેટ રજુ કરતા સાર્વજનિક સેકટરની ૨ બેંકો અને એક સાધારણ વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ રાખ્યો હતો.

(10:13 am IST)