Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

બાબાસાહેબની જન્મજયંતિએ કોંગ્રેસે લોન્ચ કરી ડિજિટલ ચેનલ 'INC TV: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન- 24 એપ્રિલથી પ્રસારણ શરૂ

ચેનલમાં દરરોજ આઠ કલાક લાઇવ ટેલિકાસ્ટ થશે: આગળ જતા આ સમયગાળાને વધારાશે ફોટો

નવી દિલ્હી : કોંગ્રેસે ડિજિટલ ચેનલ ‘આઈએનસી ટીવી’ (INC TV) શરૂ કરી છે જેના પર કાર્યક્રમોનું વિધિવત પ્રસારણ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન પર એટલે કે 24 એપ્રિલના રોજ કરવામાં આવશે. 24 મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે, આ દિવસથી કોંગ્રેસ પોતાની ચેનલ પર પ્રસારણ પણ શરુ કરશે.

રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા અને કેટલાક અન્ય નેતાઓની હાજરીમાં ચેનલ શરૂ કરવામાં આવી હતી. સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે આજે બાબાસાહેબની જન્મજયંતિ પર ભારતના બંધારણ અને બંધારણીય અધિકારની ઉજવણી થાય છે. બાબા સાહેબની જન્મજયંતિ ગુલામી, રૂઢીવાદ અને અંધશ્રદ્ધા સામે સંપૂર્ણ ક્રાંતિની ઉજવણી છે. બાબા સાહેબની જન્મજયંતિ કોઈ દબાણ અને લાલચ વિના અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી પણ છે.”

 

તેમણે કહ્યું કે, આજે અંધવિશ્વાસ અને અંધભક્તિના સર્વાંગી અંધકારના યુગમાં, અતાર્કિકતા અને માનસિક ગુલામીના વાતાવરણમાં, એક અહંકારી શાસકના જબરદસ્તીથી થોપવામાં આવતા સ્તુતિગાનના વાતાવરણમાં, વ્યક્તિગત પૂજાના વાતાવરણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંસની જેમ બેડીઓમાં જકડી દેવાના યુગમાં INC ટીવી શરૂ કરવામાં આવી રહ્યું છે." સૂરજેવાલાએ જણાવ્યું કે ચેનલમાં દરરોજ આઠ કલાક લાઇવ ટેલિકાસ્ટ થશે અને આગળ જતા આ સમયગાળાને વધારવામાં આવશે.

 

આ ડીજીટલ યુગમાં દરેક પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે અનેક હથકંડા અપનાવે છે. તેમજ ઘણી બધી રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરતી રહે છે. આ શ્રેણીમાં હવે કોંગ્રેસની ડીજીટલ ચેનલ INC TV પણ ઉમેરાઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે આ ચેનલ દ્વારા તેમને કેટલા લાભ મળે છે. અને તેઓ કેટલા વ્યૂઅર્સ સુધી કે આ દેશના સામાન્ય નાગરીકો સુધી પહોંચી શકે છે.

ડીજીટલ માધ્યમમાં કોન્ગ્રેસ આગળ વધી રહી છે તે વાત આ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે. જોવું રહ્યું કે આની અસર આગામી ચૂંટણી પર કેવી પડે છે. તે મતદારોને આકર્ષી શકે છે કે નહીં.

(6:21 pm IST)