Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ભારતમાં વધુ ત્રણ વેક્સિનને મંજૂરી અપાય તેવી શક્યતા

દેશમાં વેક્સિનેશન ઝુંબેશને તેજ બનાવવાની ક્વાયત : દેશમાં હાલમાં બે રસી ઉપયોગમાં, ત્રીજી રસી સ્પુતનિકને સરકારે મંજૂરી આપી દીધી હોવાથી જલ્દી બજારમાં મળશે

નવી દિલ્હી, તા. ૧૪ : દેશમાં કોરોનાના સંક્રમણે સર્જેલી વિકરાળ પરિસ્થિતિ વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે સરકારે બીજી કંપનીઓની વેક્સીનને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપ્યા વગર છુટકો નથી.

એવા અહેવાલો મળ્યા છે કે, દેશના રસીકરણને વેગવંતુ બનાવવા માટે આગામી એકાદ મહિનામાં અમેરિકાની ત્રણ કંપનીઓ ફાઈઝર, જોન્સન એન્ડ જોન્સન તેમજ મોડર્નાની રસીને પણ સરકાર મંજૂરી આપી શકે છે. આ માટે વાતચીત શરુ થઈ ચુકી છે. આ પૈકી સૌથી પહેલા જોન્સન એન્ડ જોન્સનની રસીને મંજૂરી મળે તેવી શક્યતા છે.

અગાઉ ફાઈઝરે મંજૂરી માટે આવી રહેલા વિઘ્નોથી કંટાળીને પોતાની અરજી પાછી ખેંચી હતી. જોકે ફાઈઝર પાસે વેક્સીન પ્રોડક્શનની વધારે ક્ષમતા નથી. એટલે ફાઈઝરની રસી માટે વાર લાગી શકે છે. બીજી તરફ જોન્સન એન્ડ જોન્સન દ્વારા સરકાર સાથે રસીને બજારમાં મુકવા માટે પ્રાથમિક તબક્કાની વાટાઘાટો થઈ ચુકી છે. જ્યારે મોડર્નાની વેક્સીન માટે હાલમાં વાતચીત ચાલી રહી છે. ભારતમાં હાલમાં બે રસી ઉપયોગમાં છે અને ત્રીજી રશિયન રસી સ્પુતનિકને સરકારે મંજૂરી આપી દીધી હોવાથી બહુ જલ્દી તે બજારમાં મળશે.

(8:00 pm IST)