Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુરંગ થકી ભારતમાં ત્રાસવાદીઓ ઘુસાડે છે પાકિસ્તાન : ડ્રોનથી પહોંચાડે છે હથિયારો

જમ્મુ-કાશ્મીર પોલીસે કર્યો ખુલાસો

શ્રીનગર,તા.૧૪ : ભારતીય લશ્કરના આક્રમક વલણના કારણે હાલમાં આતંકવાદીઓની ભારતમાં દ્યૂસણખોરી અદ્યરી બની ગઈ છે. જોકે, હવે પાકિસ્તાને નવો રસ્તો શોધી કાઢ્યો છે. પાકિસ્તાન ક્રોસ-બોર્ડર અંડરગ્રાઉન્ડ ટનલો દ્વારા આતંકીઓને ભારતમાં ઘૂસાડે છે. જયારે તેમના માટેના શસ્ત્રો ડ્રોન દ્વારા પહોંચાડે છે, તેમ જમ્મુ-કાશ્મીર પોલીસ વડાએ રવિવારે જણાવ્યું હતું.

ડાયરેકટર જનરલ ઓફ પોલીસ દિલબાગ સિંહે કહ્યું હતું કે હાલમાં દ્યૂસણખોરી રોકવા માટેનું અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે તથા એન્ટિ-ટનલિંગ ઓપરેશન પણ જારી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ બોર્ડરની નીચે ટનલો બનાવવી તે પાકિસ્તાની દુષ્ટ રણનીતિનો ભાગ છે અને તેના દ્વારા તેઓ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ બોર્ડર સાથે જોડાયેલા ગલાર ગામમાં ૧૭૦ મીટર લાંબી ટનલ શોધી કાઢવામાં આવી હતી.

૨૮ ઓગસ્ટે બોર્ડર પર તારની વાડ નજીક બીએસએફની ટીમે ૨૦-૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતી ટનલ શોધી કાઢી હતી જે પાકિસ્તાનમાંથી ખોદવામાં આવી હતી. ડીજીપી એ જણાવ્યું હતું કે મેં તે મોટી ટનલ જોઈ હતી જે ૨૦૧૩-૧૪માં ચનયારી ખાતે મળેલી ટનલ જેટલી જ મોટી હતી. નાગરોટા એન્કાઉન્ટર બાદ અમને ચોક્કસ માહિતી મળી હતી કે ટનલ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી રહી છે અને અમે તેના માટે શોધખોળ આદરી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં નાગરોટામાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ડીજીપી એ કહ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી છે પરંતુ અમને મળી રહેલા સંકેતો કહી રહ્યા છે કે પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘૂસણખોરી કરાવવા માટે ટનલનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બીએસએફ અને પોલીસ કર્મીઓ વિસ્તારમાં વધારે ટનલ માટેની શોધખોળ કરી રહ્યા છે.તાજેતરમાં જ કાશ્મીરના એક ટ્રકમાંથી કાઝીગંદ ખાતે કેટલાક શસ્ત્રો મળ્યા હતા જેમાં એમ-૧૬ રાઈફલ પણ સામેલ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેની તપાસ ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે ડ્રોનની મદદથી આ શસ્ત્રોને સામ્બા સેકટરમાં ફેંકવામાં આવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા બે વ્યકિતઓને શોધી કાઢવામાં આવ્યા છે જેમણે ટ્રકમાં શસ્ત્રો ચડાવ્યા હતા.

(11:59 am IST)