Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બિહારની ચૂંટણીમાં ઓબીસી-ઇબીસી ફેકટર નક્કી કરશે હારજીત

પ૧%ની વોટબેંક આ કબ્જે કરવાનો બધા પક્ષો માટે પડકાર

નવી દિલ્હી તા. ૧૪ :.. બિહારની ચૂંટણીમાં કોઇપણ ભલે ગમે તેટલું જોર લગાવે પણ જયાં સુધી તે અન્ય પછાત (ઓબીસી) અને અતિ પછાત જાતિઓ (ઇબીસી) ની વોટ બેંક કબજે નહીં કરે ત્યાં સુધી તેને સતા મળવી મુશ્કેલ છે. રાજયમાં આ બે સમુહોની વસ્તી લગભગ પર ટકા છે. એટલે ચૂંટણીનો ખેલ તેમના પર સૌથી વધારે કેન્દ્રિત રહે છે.

અન્ય રાજયોની સરખામણીમાં બિહારનું જાતિવાદી સમીકરણ ચૂંટણીને કયાંય વધારે જટીલ બનાવી દે છે કેમ કે અતિ પછાત અને પછાત જાતિઓની વસ્તુ બહુ વધારે છે. પ૧ ટકાની આ મતબેંક પર બધાની નજર હોય છે. જે પક્ષો જાતીય રાજકારણ કરે છે. તેઓ પણ અને કોંગ્રેસ-ભાજપા જેવા રાષ્ટ્રીય પક્ષો પણ આ વોટબેંકમાં તરાપ મારવાના પ્રયાસમાં રહે છે. જેમાં તેમને અમુકહદ સુધી સફળતા પણ મળે છે.

ઓબીસી અને ઇબીસીના મતો બિહારના બધા સ્થાનીક પક્ષોમાં વિભાજીત થાય કે પણ પ૧ ટકામાંથી એક મોટો હિસ્સો જે પક્ષ તરફ ઢળે તેના માટે સત્તા મેળવવી સરળ બનશે. કહેવાની જરૂર નથી કે છેલ્લી ચૂંટણીમાં આ મતોનો મોટો ભાગ મહાગઠબંધન તરફ ઢળ્યો હતો. તેનું કારણ એ હતું કે મહાગઠબંધનનું એક સારૂ જોડાણ બન્યું હતું. જેને મત આપવાનું આ મતબેંકને ગમ્યું હતું પણ આ વખતે પરિસ્થિતીઓ બદલાઇ ગઇ છે.

આ વખતે જદયુ - ભાજપા સાથે, લોજપા  અલગ, મુસ્લિમ અને દલિત તરફી પક્ષો જેમ કે આઇઆઇએમ અને બીએસપી વગેરેના જોડાણોથી આ મતોના વિભાજીત થવાનો ખતરો ઉભો થયો છે.

રાજકીય પંડિતોનું માનવુ છે કે બધા પક્ષો જાતીવાદી રાજકારણ કરે છે. રાષ્ટ્રીય પક્ષો પણ એવું કરે છે. જાતીવાદી સમીકરણોના આધારે પક્ષોએ એવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જે એ વર્ગને પ્રભાવિત કરે છે. એટલે જે પક્ષ પર ટકાની આ જાતિઓની મતબેંક પર વધુ તરાપ મારે તેને સરસાઇ મળશે.

(12:40 pm IST)