Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ચૂંટણીમાં હાર બાદ પહેલુ ભાષણ

૨૦૨૧માં આવશે કોરોનાની વેકસીન : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન તા. ૧૪ : અમેરિકાની ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું પહેલું ભાષણ જાહેર કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કોરોનાની રસી દેશનાં તમામ લોકોને મળી જશે. શુક્રવારે (૧૩ નવેમ્બર) પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'બધા અમેરિકનોને આવતા વર્ષે ૨૦૨૧ માં કોરોના વાયરસની રસી મળશે.' ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરની યુ.એસ. ચૂંટણીમાં જો બિડેન સામે હારી ગયા છે. ચૂંટણી બાદ અમેરિકાનાં આઉટગોઇંગ રાષ્ટ્રપતિનું આ પહેલું ભાષણ છે.

દવા કંપની ફાઇઝરની કોરોના વેકસીન પર નવીનતમ અપડેટ આપતાં, ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યકત કરી હતી કે, આવતા વર્ષે એપ્રિલ ૨૦૨૧ સુધીમાં કોવિડ-૧૯ રસી અમેરિકાની સમગ્ર જનતા માટે ઉપલબ્ધ થઈ જશે. વ્હાઇટ હાઉસનાં રોઝ ગાર્ડનમાંથી સંબોધન કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે થોડા અઠવાડિયામાં આ રસી પ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સ, વૃદ્ઘ અને ઉચ્ચ જોખમ ધરાવતા અમેરિકનોને આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમારા રોકાણને કારણે અમેરિકાનાં દરેક નાગરિકને ફાઇઝરની નિશુલ્ક કોરોના રસી મળશે. આપને જણાવી દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પ્રથમ ભાષણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી હારનો ઇનકાર કર્યો છે. જો કે, આ પહેલીવાર નથી જયારે ડોનાલ્ડ ટ્રમ્પે રસીનાં આગમનની તારીખ જાહેર કરી હોય. અગાઉ પણ તેમણે ઓકટોબર આવવાની વાત કરી હતી. વળી તેમણે એકવાર ડિસેમ્બરમાં રસી આવવાની વાત કરી હતી.

સોમવારે ચૂંટણી યોજાયા બાદ વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ વર્કફોર્સની પહેલી બેઠક મળી હતી. ટ્રમ્પે આ બેઠકમાં ભાગ લીધો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ યુ.એસ.માં કોરોના વાયરસનાં ૧,૦૦,૦૦૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે.

(11:28 am IST)