Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

એક જ વેકસીનનાં લગાવવાં પડશે બે ડોઝઃ ગર્ભવતી મહિલાઓને હમણાં નહીં લાગે વેકસીન

અલગ અલગ કંપનીની વેકસીનનો પ્રયોગ નહીં કરવામાં આવે : એટલે કે જો આપને કોવેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે તો બીજો ડોઝ પણ કોવેકસીનનો જ લેવાનો રહેશે

નવી દિલ્હી,તા. ૧૫: દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના મહામારી વિરુદ્ઘ દુનિયાનો સૌથી મોટા ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ઇમ્યૂનાઇઝેશન અંગે સતર્કતા વર્તાવતા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ફેકટશીટ શેર કરી છે. મંત્રાલય દ્વારા જાહેર નિવેદન મુજબ, બંને ડોઝ એક જ વેકસીનનાં લેવાનાં રહેશે. અલગ અલગ કંપનીની વેકસીનનો ઉપયોગ નહીં કરવામાં આવે. એટલે કે જો આપને કોવેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે તો બીજો ડોઝ પણ કોવેકસીનનો જ લેવાનો રહેશે. હાલમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેકસીન આપવામાં નહીં આવે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ફેકટશીટમાં દ્યણી મહત્વપૂર્ણ માહિતીઓ- કેન્દ્ર તરફથી રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલાં પત્રમાં કોવૈકસીન અને કોવિશીલ્ડ અંગે ફેકટશીટ શેર કરવામાં આવી છે. આ ફેકટશીટમાં વેકસીનનાં ડોઝ, કોલ્ડ સ્ટોરેજ, વિરોધાભાષ જેવી ઘણી જાણકારીઓ શેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફેકટશીટને દરેક સ્તર પર કામ કરનારા મેનેજર્સ કે પછી વેકિસનેશન પ્રોગ્રામને હેન્ડલ કરનારા અધિકારીઓ સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો છે.

આપાત સ્થિતિનો પણ ઉલ્લેખ- પત્રમાં વેકસનેશન દરમિયાન વર્તવામાં આવતી સાવધાની અને વિરોધાભાષ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 'આવી સ્થિતિમાં ૧૮ વર્ષ કે પછી ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં વ્યકિતઓને આ વેકસીન આપવામાં આવશે. બંને ડોઝ એક જ વેકસીનનાં આપવાનાં રેહશે. પહેલો બીજો ડોઝ અલગ અલગ નહીં હોય. પણ એક જ વેકસીન હોવી જોઇએ. જો કોઇ સ્થિતિમાં અલગ અલગ વેકસીનનો ડોઝ આપવો પડે તો તેમને ઓછામાં ઓછું ૧૪ દિવસનું અંતર રાખવું જરૂરી રહેશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેકસીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેક આઇસીએમઆરની કોવૈકસીનને ઇમરજન્સી યૂઝની પરવાનગી મળી ગઇ છે. દેશમાં તેમની બંને વેકસીન દ્વારા ટીકાકરણ કાર્યક્રમ ચલાવવામાં આવશે. અમેરિકન દવા કંપની ફાઇઝરે પણ તેમની વેકસીનને ઇમરજન્સી યૂઝની અનુમતિ માંગી હતી પણ દેશમાં કોઇ લોકલ સ્ટડી ન હોવાને કારણે તેમને હાલમાં ના પાડી દેવામાં આવી છે.

(9:57 am IST)