Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટાટા ગ્રુપ બન્યુ દેશનું નંબર-૧ ગ્રુપ

શેર તુટવાની અસર : હવે રિલાયન્સ દેશનું ત્રીજુ સૌથી મોટુ બિઝનેસ ગ્રુપ : નંબર -૧ તાજ છીનવાયો

કંપની અને માર્કેટ કેપ :ટાટા જૂથ રૂ.૧૬.૬૯ લાખ કરોડ :HDFC જૂથ રૂ. ૧૪.૯૮ લાખ કરોડ :રિલાયન્સ જૂથ રૂ. ૧૨.૨૨ લાખ કરોડ

મુંબઈ,તા.૧૫: : દેશના શેર માર્કેટમાં બ્લૂ ચિપ સ્ટોક ગણાતા ટોચના શેર પૈકી લગભગ ૮ મહિના સુધી નંબર વનની પોઝીશન પર રહ્યા બાદ ફરી એકવાર મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાનો તાજ ગુમાવી દીધો છે. શેર બજારના બે પ્રમુખ ખ્ઇન્ડેકસમાંથી એક નિફ્ટી૫૦માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વેઇટેજ ઘટતા જ તેના સ્થાને HDFC બેંકે લઈ લીધું છે. ગત વર્ષે લોકડાઉનની શરુઆતમાં રિલાયન્સે આ તાજ HDFC પાસેથી લીધો હતો. જોકે હવે તેના વેઇટેજ ૧૦.૦૮ ટકા જેટલું છે. એક સમયે રિલાયન્સનું વેઇટેજ નિફ્ટી૫૦માં ૧૫ ટકા જેટલું થઈ ગયું હતું.

બીજી તરફ જો માર્કેટ કેપની વાત કરવામાં આવે તો તેમાં પણ રિલાયન્સ નંબર વન સ્થાન ગુમાવી ચૂકયું છે. ગત વર્ષે જુલાઈમાં ટાટા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું રિલાયન્સ જૂથ છ મહિના પણ આ સ્થાને રહી શકયું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, પોતાની ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે ટાટા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે. આ ઉપરાંત શેરોમાં આવેલી તેજીના કારણે એચડીએફસી જૂથ દેશનું સૌથી મોટું જૂથ બની ગયું છે. જોકે, રિલાયન્સ હજુ પણ દેશની સૌથી મોટી કંપની છે. જુલાઈ ૨૦૨૦માં ટાટા જૂથની ૧૭ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતું, જયારે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. ૧૩ લાખ કરોડ ઉપર પહોંચી ગયું હતું.

સપ્ટેમ્બર સુધી રિલાયન્સના શેરના ભાવ વધતા રહ્યા અને ૧૬ સપ્ટેમ્બરે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. ૧૬ લાખ કરોડના રેકોર્ડ સ્તરને પાર થઈ ગયું. પરંતુ ત્યાર પછી રિલાયન્સના શેરના ભાવ દ્યટવા લાગ્યા અને હવે તેનું માર્કેટ કેપ રૂ. ૧૨.૨૨ લાખ કરોડે પહોંચી ગયું છે. આ દરમિયાન ટીસીએસની સાથે ટાટા જૂથની કંપનીઓ ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલમાં આવેલી તેજીના કારણે આ જૂથનું કુલ માર્કેટકેપ રૂ. ૧૬.૬૯ લાખ કરોડને પાર થઈ ગયું છે, જે રિલાયન્સ જૂથથી ૩૬% વધારે છે.

ટીસીએસએ કોરોના કાળમાં અનેક મોટા સોદા કર્યા. તેનાથી કંપનીના શેરોમાં રેલી હજુ બરકરાર છે. સ્ટીલની કિંમત વધવાથી ટાટા સ્ટીલને ફાયદો થયો છે. ટાટા મોટર્સના શેર જુલાઈ પછી ૧૦૦% વધ્યા.

આ જૂથની ચાર કંપની લિસ્ટેડ છે અને ચારેય નાણાકીય સેવા સાથે સંકળાયેલી છે. નાણાકીય કંપનીઓમાં નવેમ્બરમાં મોરેટોરિયમ સાથે જોડાયેલો કોર્ટનો ચુકાદો આવ્યા પછી તેજી શરૂ થઈ હતી. આ કારણથી આ જૂથનું માર્કેટ કેપ ઝડપથી વધી રહ્યું છે.

ફેસબુક, ગૂગલ સુધીની કંપનીઓનું રોકાણ મળવાથી રિલાયન્સના શેર વધ્યા. હવે તેમાં કરેકશન આવી રહ્યું છે. અરામકો ડીલ સામે ઊભા કરાયેલા સવાલોના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. આ જૂથના શેર સપ્ટેમ્બર પછી ૨૦% સુધી ઘટી ચૂકયા છે.

(9:59 am IST)