Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

૧૭મી લોકસભાનું પાંચમુ સત્ર ૨૯ જાન્‍યુઆરીથી થશે શરૂ :૧ ફેબ્રુઆરીએ રજુ થશે સામાન્‍ય બજેટ

કેન્‍દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરી સવારે ૧૧ વાગ્‍યે રજૂ કરવામાં આવશે : બે ચરણોમાં ચાલનારૂ બજેટ સત્ર ૮ એપ્રિલ સુધી ચાલશે : બજેટ સત્રનું પ્રથમ ચરણ ૨૯ જાન્‍યુઆરીએ શરૂ થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે, તેમજ બીજું ચરણ ૮ માર્ચથી ૮ અપ્રિલ સુધી ચાલશે

નવી દિલ્‍હી,તા. ૧૫: ૧૭મી લોકસભાનું પાંચમું સત્ર ૨૯ જાન્‍યુઆરીથી શરૂ થશે, સત્રનું સમાપન ૮ અપ્રિલે પૂર્ણ થવાની શકયતા છે. લોકસભા સચિવાલય લોકસભા સચિવાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે રાષ્ટ્રપતિ ૨૯ જાન્‍યુઆરીએ સવારે ૧૧ વાગ્‍યે સંસદના બંને સદનને એક સાથે સંબોધિત કરશે. કેન્‍દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરી સવારે ૧૧ વાગ્‍યે રજૂ કરવામાં આવશે.

લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર બે ચરણોમાં ચાલનારુ બજેટ સત્ર ૮ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનું પ્રથમ ચરણ ૨૯ જાન્‍યુઆરીએ શરૂ થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે, તેમજ બીજું ચરણ ૮ માર્ચથી ૮ અપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ જાન્‍યુઆરીએ સવારે ૧૧ વાગ્‍યે સંસદના બંન્ને ગૃહો લોકસભા અને રાજયસભાના સંયુક્‍ત સત્રને સંબોધિત કરશે.

સંસદની સ્‍થાયી સમિતિને વિવિધ મંત્રાલયો/વિભાગોની અનુદાનનની માંગણીઓ પર વિચાર-વિમર્શ સરળતાથી થાય એ માટે બજેટ સત્રનું પ્રથમ ચરણ ૧૫ ફેબ્રુઆરીએ સ્‍થગિત કરવામાં આવશે અને ૮ માર્ચે ફરીથી ચર્ચા કરવા માટે બજેટ સત્રનું બીજું ચરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ સંક્રમણના કારણે સંસદનું શીતકાલીન સત્ર બોલાવવામાં આવ્‍યું નહોતું. સરકારે કહ્યું હતું કે કોરોનાના વધતા જઈ રહેલા કેસોને કારણે આ વખતે સંસદના શીતકાલીન સત્રનું આયોજન નહીં કરવામાં આવે. સરકારના આ નિર્ણય પર વિપક્ષે આરોપ લગાવ્‍યા હતા કે સરકાર ખેડૂત વિરોધી આંદોલન અને અન્‍ય મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ભાગી રહી છે.

(11:28 am IST)