Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

NCERTમાં ભણાવાઇ રહ્યો છે 'પાયાવિહોણો' ઇતિહાસ

મંદિર તોડનારા ઔરંગઝેબને ગણાવી દીધા 'સેકયુલર

NCERTના ૧૨માં ધોરણના પુસ્તકમાં ઈતિહાસ સાથે મજાક કરતા કહેવાયું છે કે ઔરંગઝેબે મંદિર બનાવડાવ્યા

નવી દિલ્હી, તા.૧૫: સોશિયલ મીડિયા પર હાલ ઔરંગઝેબ અને NCERT ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેના પર ખુબ ચર્ચા થઈ રહી છે. તમને ખબર છે કારણ? કારણ કે NCERT માં ઔરંગઝેબ પ્રેમી ગેંગનો ખુલાસો એક RTIમાં થયો છે. NCERTના 'ડિઝાઇનર ઈતિહાસકારો'એ કક્ષા ૧૨મીના ઈતિહાસના પુસ્તકમાં સાંપ્રદાયિકતાના સુલતાન ઔરંગઝેબને સેકયુલર ગણાવ્યો છે. NCERTના ૧૨માં ધોરણના પુસ્તકમાં ઈતિહાસ સાથે મજાક કરતા કહેવાયું છે કે ઔરંગઝેબે મંદિર બનાવડાવ્યા.

NCERTના પુસ્તકમાં ઔરંગઝેબ અને શાહજહાં જેવા મુઘલ શાસકોના ગુણગાન કરવામાં આવ્યા છે અને ભણાવાઈ રહ્યું છે કે ઔરંગઝેબ અને શાહજહાંએ મંદિરો બનાવડાવ્યા. ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટી-૨ના પેજ ૨૩૪ પર લખવામાં આવ્યું છે કે યુદ્ઘ દરમિયાન મંદિરોને તોડી પાડ્યા હતા અને બાદમાં શાહજહાં અને ઔરંગઝેબે આ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી હતી.

NCERTના પુસ્તકમાં એ પણ સ્પષ્ટ નથી લખવામાં આવ્યું કે ભારતના મંદિર ઔરંગઝેબના આદેશ પર તોડવામાં આવ્યા. પરંતુ એ જરૃર લખાયું છે કે ઔરંગઝેબ અને શાહજહાંએ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી. આઝાદ ભારતના ઈતિહાસના આ જૂઠ્ઠાણાનો ખુલાસો એક RTIથી થયો હતો.

RTI માં પૂછવામાં આવ્યું કે થીમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ ૨ના પેજ નંબર ૨૩૪ના બીજા પેરેગ્રાફમાં NCERT એ કયા સોર્સથી એ લખ્યું છે કે જયારે યુદ્ઘ દરમિયાન મંદિર તોડવામાં આવ્યાં તો શાહજહાં અને ઔરંગઝેબના શાસનમાં પુર્નનિર્માણ માટે આર્થિક સહાયતા આપવામાં આવી? RTIમાં એ પણ પૂછવામાં આવ્યું કે NCERT જણાવે કે ઔરંગઝેબ અને શાહજહાંએ  કેટલા મંદિર ફરીથી બનાવડાવ્યા? જવાબમાં NCERT એ કહ્યું કે તેમની પાસે તેની જાણકારી નથી.

તો સવાલ એ છે કે NCERTના એ ડિઝાઈનર ઈતિહાસકાર કોણ છે, જેમણે આઝાદ ભારતમાં સાંપ્રદાયિકતાના સુલ્તાનને સેકયુલર બનાવીને રજુ કર્યા? NCERT શું કામ વિદ્યાર્થીઓને ઔરંગઝેબ અંગે ખોટું બોલતી રહી?

NCERT એ જે RTI દ્વારા જવાબમાં પોતાની ભૂલ માની છે તે ગત વર્ષ ૧૮ નવેમ્બરની છે. તો હવે સોશિયલ મીડયા પર ઔરંગઝેબ અને NCERT કેમ ટ્રેન્ડ થઈ રહ્યા છે? જેનો જવાબ એ છે કે, ઈતિહાસની ભૂલ પર મંગળવારે રાજયસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ઘેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈતિહાસની તમામ ભૂલો સુધારવાની માંગણી કરવામાં આવી.

(1:29 pm IST)