Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નવી ટયુન લેડીઝના વોઇસમાં સાંભળવા મળશે

આજથી બદલાશે તમારા ફોનની કોરોના કોલર ટયુનઃ બીગ બીનો અવાજ નહિ હોય

નવી દિલ્હી, તા.૧૫: તમે કોઈને ફોન લગાવતા પહેલા હાલ (અમિતાભ બચ્ચન)ની અવાજમાં કોરોનાથી બચાવ અને સાવધાનીને લઈને કોલર ટ્યૂન તો સાંભળતા જ હશો. પરંતુ હવે એવા સમાચાર છે કે મોબાઈલ પર આવનારી આ ટ્યૂન બદલાવવાની છે.  હાલ અમિતાભ બચ્ચનના અવાજમાં તમને આ કોલર ટ્યૂન સંભળાતી હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે જલદી આ કોરોના વાયરસથી બચાવ સંબંધિત કોલર ટ્યૂન બદલાવવાની છે.

સૂત્રોનું માનીએ તો આવતી કાલે એટલે કે ૧૫ જાન્યુઆરીથી અમિતાભ બચ્ચનની જગ્યાએ મહિલા આર્ટિસ્ટના અવાજમાં કોલર ટ્યૂન સંભળાશે. કોરોનાકાળમાં છેલ્લા કેટલાક મહિનાથી અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના સંક્રમણ સંબંધિત સંદેશ અપાઈ રહ્યો હતો જેમાં અમિતાભ બચ્ચન લોકોને કોરોના સંક્રમણથી બચવાના ઉપાય અને શું શું સાવધાની વર્તવી જોઈએ તે બધુ સંદેશમાં બોલતા સંભળાય છે. પરંતુ હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

અમિતાભ બચ્ચનના અવાજ વાળી આ કોલર ટ્યૂન દ્વારા વધુમાં વધુ લોકોને જાગૃત કરવાનો સરકારનો હેતુ રહ્યો છે. પરંતુ દેશમાં હવે કોરોના રસી શનિવારથી મૂકાવવાની શરૃ થશે. ત્યારે કેન્દ્ર સરકારનું ફોકસ કોરોનાની રસી પર છે.

કોરોનાનું રસીકરણ શનિવારે એટલે કે ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી લોન્ચ કરશે. શુક્રવારથી બદલાયેલી કોલર ટ્યૂનમાં તમે કોરોના રસી સંબંધિત સંદેશ સાંભળી શકશો. કોરોનાની રસીને લઈને તમામ પ્રકારની અફવાઓ પણ આવી છે. હવે નવી  કોલર ટ્યૂનમાં લોકોને રસી અંગે જાગૃત કરવામાં આવશે અને સંદેશ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે અમિતાભ બચ્ચનના અવાજમાં કોલર ટ્યૂન અગાઉ જસલીન ભલ્લાના અવાજમાં કોલર ટ્યૂન તમે સાંભળતા હતા જેમાં કોરોનાની કોલર ટ્યૂન હતી.

(1:34 pm IST)