Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત

દાવણગિરીના કેટલાક પ્રવાસી મિની બસથી ગોવા જઇ રહ્યા હતા: ઘાયલ મુસાફરોને ધારવાડની હોસ્પિટલમાં દાખલ કરાયા

પૂણે-બેંગલુરૂ નેશનલ હાઇવે પર એક મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. ધારવાડ નેશનલ હાઇવે પર એક મિની બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. દૂર્ઘટનામાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે કેટલાક મુસાફર ઘાયલ થયા હતા. ઘાયલોને ધારવાડની એક સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

આ ઘટના પૂણે-બેંગલુરૂ નેશનલ હાઇવે પર બની હતી. દાવણગિરીના કેટલાક પ્રવાસી મિની બસથી ગોવા જઇ રહ્યા હતા. ધારવાડ હાઇવે પર સવારે એક મિની બસ અને એક ટ્રક આમને-સામને આવી ગયા હતા. આ દૂર્ઘટનામાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલ મુસાફરોને ધારવાડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યુ કે કેટલાક ઘાયલની હાલત અત્યંત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. દૂર્ઘટના બાદ બાઇ પાસ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવેથી કાટમાળને હટાવવામાં આવ્યુ હતું.

હુબલી-ધારવાડ બાયપાસનો 32 કિલોમીટર લાંબો ભાગ પૂણે અને બેંગલુરૂ વચ્ચે નેશનલ હાઇવે પર એક સિંગલ લેન છે. આ મુંબઇ અને ચેન્નાઇના ઔધોગિક ક્ષેત્ર વચ્ચે એકમાત્ર સિંગલ લેન સ્ટ્રેચ પણ છે. એક સ્થાનિક રહેવાસીએ કહ્યુ કે રસ્તાને પહોળો કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પણ આ માંગ પુરી થઇ નથી. અવાર નવાર આ માર્ગ પર અનેક અકસ્માત થયા છે.

(1:38 pm IST)