Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ખેડૂતોએ ફરી સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો

ખેડૂત આંદોલન : સરકારને ખેડૂતની નવમી બેઠક ફરી નિષ્ફળ

નવી દિલ્હી તા. ૧૫ : કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરી એકવાર બેઠક થઈ હતી. જોકે, આ બેઠકમાં કિસાન સંગઠનોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કિસાન સંગઠનોની માંગ છે કે ત્રણેય કાયદાને પરત લેવામાં આવે. બીજી તરફ શિખ ફોર જસ્ટિસ સંગઠને તરફથી ચીફ જસ્ટિસ બોબડેને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે ૨૬મી જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલી  કાઢવાથી રોકવામાં ન આવે.ખેડૂતો સાથે આજે સરકારની નવમી બેઠક મળી હતી.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ભારત સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલા સમિતિ જયારે સરકારને બોલાવશે ત્યારે અમે અમારો પક્ષ સમિતિ સમક્ષ રાખીશું. આજે ખેડૂતો સાથે અમારી વાતચીત ચાલુ છે.

કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માંગ સાથે દિલ્હીની સરહદોને ઘેરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ૨૬મી જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલી કાઢવાના છે. જોકે, આ દરમિયાન કિસાન નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ કહેશે તો તેઓ રેલી નહીં કાઢે. ટિકૈતે સરકાર સાથે યોજાનાર નવમી બેઠક પહેલા આ નિવેદન આપ્યું હતું. ટ્રેકટર રેલી સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ મનાઈ ફરમાવશે તો ખેડૂતો ટ્રેકટર રેલી નહીં કાઢે.

(4:37 pm IST)