Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

UN માં ચીનને જબરદસ્ત ઝટકો

ભારત ECOSOC નું સભ્ય બન્યું: ડ્રેગનને અડધા મત પણ ન મળ્યા

ચીનને પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે

નવી દિલ્હી,તા.૧૫: ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનને પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.

ટીએસ મૂર્તિએ કહ્યું કે પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ઘતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.

અત્રે જણાવવાનું કે ભારત, અફદ્યાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાને ૫૪ સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી. જયારે ચીને સજ્જડ હારનો સામનો કરવાનો આવ્યો. ચીનને અડધા વોટ પણ ન મળી શકયા.

બેઈજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (૧૯૯૫)ની આ વર્ષે ૨૫મી વર્ષગાઠ છે. આ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો. આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ ૨૦૨૧થી લઈને ૨૦૨૫ સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.

(11:39 am IST)