Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના વેક્‍સીન લીધા બાદ અડધો કલાક આરામ કરોઃ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય

નવી દિલ્હી: ભારતમાં આજથી વૅક્સીનેશન અભિયાનનો આરંભ થઈ રહ્યો અને સૌ પ્રથમ દેશના હેલ્થ વર્કર્સને વૅક્સીન આપવામાં આવશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે વૅક્સીનેશન બાદ લાભાર્થીઓને ઓછામાં ઓછા અડધો કલાક સુધી આરામ કરવાની સલાહ આપી છે.

વૅક્સીન મેળવનારના આરામ માટે માટે વૅક્સીનેશન સેન્ટર્સ પર ત્રણ જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં વેઈટિંગ, વૅક્સીનેશન અને ઓબઝર્વેશન માટે. વૅક્સીન મૂકાયા બાદ લાભાર્થીને સલાહ આપવામાં આવે છે કે, તે તાત્કાલીક સાઈટ છોડીને ના જાય અને ઑબ્ઝર્વેશન માટે વૅક્સીનેશન સેન્ટર્સ પર રોકાય.

વૅક્સીનેશન સેન્ટર્સ પર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે. આમ તો ભારત અનેક વર્ષોથી દેશમાં રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ કોરોના મહામારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી આ વૅક્સીનેશન ઝૂંબેશ, સમગ્ર વિશ્વનું સૌથી મોટુ અભિયાન છે. આથી જ ખાસ તકેદારી રાખવાની આવશ્યક્તા છે.

કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ વૅક્સીનેશન માટે જરૂરી સ્થિતિઓને સ્પષ્ટ કરી દીધી છે. વૅક્સીન આપવા માટે અધિકારીઓને પણ ખાસ તાલીમ આપી દેવામાં આવી છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે કે, કોવિશીલ્ડ વૅક્સીન મૂકાયા બાદ શરીરમાં નબળાઈ અને માથાના દું:ખાવા જેવી સમસ્યા ઉભી થઈ શકે છે. આવી સમસ્યા ઉભી થવા પર પેરાસિટોમલનો ઉપયોગ કરી શકાય છે.

ભારત બાયોટેક દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોવેક્સીન લગાવ્યા બાદ ઈન્જેક્શન વાળી જગ્યાએ સોજા સાથે દુ:ખાવો, માથું દુ:ખવું, થાક, તાવ, શરીરમાં નબળાઈ, પેટમાં દુ:ખાવો, ઝાડા-ઉલ્ટી અને ચક્કર આવી શકે છે.

જણાવી દઈએ કે, શુક્રવારે મોડી રાત્રે વૅક્સીનેશન માટે બનાવવામાં આવેલા કેન્દ્ર સરકારના CoWin પોર્ટલના ક્રેશ થયુ હતુ. આ પોર્ટલ થકી જ લાભાર્થીઓને મેસેજ મોકલવામાં આવવાના હતા.

(4:39 pm IST)