Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજસ્થાનમાં ચંબલ નદીમાં ૩૦ યાત્રાળુ સાથે હોડી ડૂબી

સાતનાં મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ હજુ જારી

બુંદી, તા.૧૬ : રાજસ્થાનના બુંદી જિલ્લાની સીમા પર ગોઠડા કલા ગામ નજીક ચંબલ નદીમાં હોડી ડૂબી જવાથી કેટલાંક લોકોનાં મોત થયાં છે.

દુર્ઘટના ઘટી તે સમયે હોડીમાં આશરે ૩૦ જેટલા લોકો સવાર હતા. તમામ લોકો હોડીમાં બેસીને બૂંદીમાં આવેલ કમલેશ્વર ધામ વિસ્તારમાં જઈ રહ્યા હતા. હોડીમાં ડૂબ્યા બાદ સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં બે મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ૧૪ લોકો હજી પણ લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે નદીમાંથી બચાવી લેવાયા છે. 

દુર્ઘટનાની જાણ થતા કોટા ગ્રામીણ એસપી શરદ ચૌધરી ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસે એવા ૧૪ લોકોના નામની યાદી બનાવી છે જેમની ભાળ હજી સુધી નથી મળી શકી. આશા છે કે તે લોકો નદી પાર કરીને બીજા છેડે પહોંચી ગયા હોય. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. એસપી ચૌધરીના જણાવ્યા અનુસાર તેમણે આસપાસના પોલીસ સ્ટેશન પરથી પણ કર્મચારીઓને તાબડતોબ ધોરણે બોલાવી લીધા હતા. આ ઉપરાંત એસડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જે રેસક્યૂ અને ચંબલ નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં કાર્યરત છે.

(8:57 pm IST)