Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આપણાથી સારા : રાહુલ

GDP ગ્રોથને લઇને રાહુલ ગાંધીની ટિપ્પણી : આઇ.એમ.એફ.ના રિપોર્ટમાં આ નાણાકીય વર્ષમાં ભારતાના જીડીપો ગ્રોથ ૧૦ ટકા ઘટાડાનું અનુમાન વ્યકત કરાયું છે

નવી દિલ્હી,તા.૧૬: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત ઘટી રહેલા જીડીપી અને અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિને લઈ મોદી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ બાદ તો ભારતની ઘટતી અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વીટમાં ભારતની સામે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સ્થિરતાને લઈ કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેઓએ ટ્વીટ કર્યું, 'બીજેપી સરકારની વધુ એક જોરદાર ઉપલબ્ધિ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને પણ આપણાથી સારી રીતે કોવિડને હેન્ડલ કર્યો.લ્લ નોંધનીય છે કે આઈએમએફના રિપોર્ટમાં આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપો ગ્રોથમાં ૧૦ ટકા ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની વૃદ્ધિ બાંગ્લાદેશથી પણ ઓછી રહેવાની છે.

રાહુલ ગાંધીએ પોતાના આ ટ્વીટમાં આઈએમએફના આંકડાનો હવાલો પણ આપ્યો. તેઓએ એક ચાર્ટ શૅર કર્યો છે, જેમાં ભારતના જીડીપીમાં ૧૦.૩૦% ઘટાડાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ચીન અને ભૂટાનના જીડીપીમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતના જીડીપીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 ભારતના જીડીપીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ચાર્ટમાં પણ જોવા મળે છે કે આગામી નાણાકીય વર્ષમાં અફઘાનિસ્તાનના જીડીપીમાં ૫ ટકા અને પાકિસ્તાનના જીડીપીમાં માત્ર ૦.૪૦ ટકાનો ઘટોડો જોવા મળશે. જ્યારે ભારતનો જીડીપી -૧૦.૩૦ ટકા દર્શાવવામાં આવી રહી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રતિ વ્યક્તિ જીડીપીના મામલામાં ભવિષ્યમાં બાંગ્લાદેશનું ભારતથી આગળ જવાના સંબંધમાં આઈએમએફના અનુમાનને લઈ બુધવારે કેન્દ્ર પર હુમલો કર્યો હતો. તેઓએ કટાક્ષમાં કહ્યું હતું કે, આ નફરતથી ભરેલા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઠોસ ઉપલબ્ધિ છે. બાંગ્લાદેશ ભારતથી આગળ જતું રહ્યું છે.

(3:04 pm IST)