Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સપ્ટેમ્બરમાં પામતેલની આયાતમાં 27 ટકાનો ઘટાડો : સોયાતેલની આયાત 28 ટકા વધી

હોટેલ- રેસ્ટોરેન્ટ્સ, કેટરિંગ બિઝનેસ બંધ હોવાથી પામતેલની માંગ ઓછી

મુંબઇઃ ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં પામતેલની આયાત વાર્ષિક તુલનાએ 27 ટકા ઘટી છે. ભારતમાં હોટેલ- રેસ્ટોરેન્ટ્સ, કેટરિંગ બિઝનેસ બંધ હોવાથી પામતેલની માંગ ઓછી રહી છે પરિણામે તેની આયાત ઘટી રહી છે. જો કે ઘરગથ્થુ ઉપયોગ વધવાથી સોયાતેલની આયાતમાં 28 ટકાની વૃદ્ધિ થઇ છે.

ભારતે વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. મલેશિયા ખાતે પામતેલના ભાવ વધવાથી પણ આયાત ઘટી છે. તો બીજી બાજુ ભારતમાં સોયાતેલની ખરીદી વધતા અમેરિકાના સોયાતેલના ભાવને ટેકો મળ્યો છે.

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના આંકડા મુજબ સપ્ટેમ્બર 2020 દરમિયાન દેશમાં 643994 ટન પામતેલની આયાત થઇ છે જ્યારે પાછલા વર્ષે 879947 ટન પામતેલની આયાત કરવામાં આવી છે. તેવી જ રીતે સોયાતેલની આયાત વાર્ષિક તુલનાએ 47 ટકા ઉછળીને 3.16 લાખ ટને પહોંચી ગઇ છે. જ્યારે સપ્ટેમ્બર 2019માં માત્ર 66783 ટન સોયાતેલની આયાત કરાઇ હતી.

SEAના આંકડા મુજબ દેશમાં ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં વાર્ષિક તુલનાએ 19 ટકા ઘટી તેમજ નવેમ્બર 2019થી સપ્ટેમ્બર 2020 દરમિયાન તેની આયાતમાં 13.5 ટકાનો ઘટાડો આવ્યો છે. સપ્ટેમ્બરમાં વેજિટેબલ તેલોની આયાત 1061944 ટન નોંધાઇ છે જે સપ્ટેમ્બર 2019માં 1303976 ટન હતી. આ આયાતમાં ખાદ્ય તેલ 1044242 ટન અને અખાદ્ય તેલની આયાત 17702 ટન થઇ છે

(5:47 pm IST)