Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

રસી લીધા બાદ ૫૧ને સામાન્ય અને એકને ગંભીર આડઅસર

દિલ્હીમાં ૫૨ કર્મીને વેક્સીન અપાયા બાદ પરેશાની : દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજધાની સહિત ૧૧ જિલ્લાઓમાં ૮૧૧૭ લોકોને વેક્સીન આપવાની હતી

નવી દિલ્હી,તા.૧૭ : કોરોના વેક્સીનના ખતરાથી લોકોને બચાવવા અને સુરક્ષિત રાખવા માટે શનિવારથી સમગ્ર દેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે ઘણા સ્વચ્છતા કર્મચારીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. પરંતુ કેટલીક જગ્યાઓ પર વેક્સીન લાગ્યા બાદ સામાન્ય પરેશાનીઓની ફરિયાદો આવી હતી. દિલ્હીમાં ૫૨ સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીન અપાયા બાદ પરેશાની થવાની ખબર આવી છે. તેમાંથી બે સ્વાસ્થ્ય કર્મચારીઓએ વેક્સીનનો ડોઝ લીધાના અમુક કલાકો બાદ અલર્જીની ફરિયાદ કરી. કેટલાકને ગભરાટ થઈ, તેમાંથી એક કર્મચારીને એઈએફઅઈ સેન્ટર મોકલવાની જરૂર પડી હતી. દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજધાની સહિત તમામ ૧૧ જિલ્લાઓમાં ૮૧૧૭ લોકોને વેક્સીન આપવાની હતી.

           પરંતુ ૪૩૧૯ કર્મચારીઓે જ વેક્સીન અપાઈ હતી. જેમાં તમામ જિલ્લાઓમાં ૫૨ આડઅસરના કેસ સામે આવ્યા છે, જેમાંથી એક દર્દી ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારે જણાવ્યું કે દિલ્હીમાં ૧૧માંથી માત્ર બે જિલ્લા જ એવા છે જ્યાં આડઅસરના કેસ સામે નથી આવ્યા. સરકારે જણાવ્યું કે ઉત્તર દિલ્હી જિલ્લામાં એક, દક્ષિણ પૂર્વ જિલ્લામાં પાંચ અને ઉત્તર-પશ્ચિમમાં ૪, પૂર્વ દિલ્હીમાં ૬, સેન્ટ્રલમાં બે, દક્ષિણ દિલ્હીમાં ૧૧, નવી દિલ્હીમાં પાંચ, દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં ૧૧ અને પશ્ચિમ દિલ્હીમાં ૬ લોકોને વેક્સીન અપાયા બાદ આડઅસર થઈ છે. દક્ષિણ દિલ્હીમાં એક વ્યક્તિ ગંભીર હોવાની વાત સામે આવી છે. સરકારે દરેક વેક્સીન બૂથ પાસે એક એઈએફઆઈ સેન્ટર બનાવ્યું છે, જ્યાં વેક્સીન લગાવાયા બાદ દેખાતી આડઅસરની સુવિધા મળી રહી છે. બીજી તરફ દિલ્હી એમ્સમાં પણ કુલ ૯૫ સ્વાસ્થ્ય કર્મીઓને કોવિડ-૧૯ વેક્સીન અપાઈ હતી, જેમાંથી કોઈને આડઅસરની સમસ્યા સામે આવી નહોતી.

(7:35 pm IST)