Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ભારતમાં એક્ટિવ કેસનો આંક બે લાખની નજીક પહોંચી ગયો

દેશમાં નવા ૧૫,૧૪૪ કેસ નોંધાયા : ભારતભરમાં નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો વધી થઈ રહ્યો છે : મૃત્યુઆંકમાં ઘટાડો

નવી દિલ્હી, તા. ૧૭ : ભારતમાં સતત કોરોના વાયરસની સ્થિતિ કાબૂમાં આવતી દેખાઈ રહી છે. પાછલા કેટલાક દિવસથી નવા કેસ ૨૦,૦૦૦ની અંદર અને ૧૫,૦૦૦ની આસપાસ નોંધાઈ રહ્યા છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો ૨ લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૧૫,૧૪૪ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને ૧૮૧ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો ૧,૦૫,૫૭,૯૮૫ પર પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૨,૦૮,૮૨૬ પર પહોંચી ગઈ છે.

પાછલા ૨૪ કલાકમાં ભારતમાં ૧૭,૧૭૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૫૨,૨૭૪ થઈ ગયો છે.

હાલ દેશમાં સૌથી વધુ કોરોના કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે, જ્યારે દેશના સૌથી વધારે ૬૮,૬૩૩ એક્ટિવ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં આ આંકડો ૫૩,૧૬૩ છે.

ICMR (Indian Council of Medical Research)ના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ૧૮,૬૫,૪૪,૮૬૮ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં ૧૬ જાન્યુઆરીએ ૭,૭૯,૩૭૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં શનિવારે કોરોના વાયરસની રસીની ડ્રાઈવ શરુ કરી દેવામાં આવી છે. ભારતમાં રસીકરણનું અભિયાન દુનિયાનું સૌથી મોટું અભિયાન છે, ભારતમાં શનિવારે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી. પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને રસી આપવામાં આવી.

(9:48 pm IST)