Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ગાડી પાટે ચડી : ઇંધણનો વધ્યો વપરાશ : પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યુ

ડીઝલનું વેચાણ ઓગસ્ટની તુલનાએ 19 ટકા વધતા પ્રિ કોવિડ સ્તરથી છ ટકા જ દૂર

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલનું વેચાણ  પ્રિ-કોવિડ લેવલે પહોંચી ગયો છે. સપ્ટેમ્બરના પ્રથમ વખવાડિયામાં ભારતમાં ઇંધણના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા બે મહિનાના નબળા દેખાવને પાછળ છોડીને ઇંધણ વપરાશ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી ગયો છે, પરંતુ કોવિડના કેસોની વધી રહેલી સંખ્યાના લીધે તેના પર ચિંતાના વાદળ છવાયા છે.

છેલ્લા સરકારી આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા દરમિયાન લોકોએ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ પેટ્રોલનો વપરાશ બે ટકા વધારે પ્રમાણમાં કર્યો હતો, જ્યારે ડીઝલનું વેચાણ ઓગસ્ટની તુલનાએ 19 ટકા વધ્યું છે, પરંતુ તે પ્રિ કોવિડ સ્તરથી ફક્ત છ ટકા જ દૂર છે

 

ડીઝલને વપરાશને આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્ત્વનો નિર્દેશક માનવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પરિવહન, બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં થાય છે. સરકારે જુનમાં અંકુશ ઉઠાવી લીધા પછી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ ચોમાસાના લીધે જપૂર અને ઔદ્યોગિક રાજ્યોમાં લોકડાઉનના લીધે તેનું વેચાણ ઘટ્યું હતું.

ઓગસ્ટમાં ડીઝલનો વપરાશ જુલાઈની તુલનાએ 12 ટકા ઘટ્યો હતો. સપ્ટેમ્બરમાં જેટ ફ્યુઅલનું વેચાણ ઓગસ્ટની તુલનાએ 15 ટકા જેટલું વધ્યુ છે, પરંતુ વિદેશની ફ્લાઇટ બંધ હોવાથી તે હજી પ્રિ-કોવિડ લેવલના 60 ટકાથી નીચે છે.

તેની સાથે રાંધણગેસના વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, તેનું વોલ્યુમ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ 12 ટકા અને ઓગસ્ટની તુલનાએ 13 ટકા વધ્યુ છે. લોકો ઘરોમાં બંધ રહેતા એલપીજીનો વપરાશ વધવો સ્વાભાવિક હતો.

(10:55 am IST)