Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

BP સહિતની ૫ બિમારી સૌથી વધુ ભારતીયોને ભરખી ગઇઃ વાયુ પ્રદુષણથી ૧૬.૭ લાખના મોત

૧૯૯૦ થી લઇ છેલ્લા ૩ દાયકામાં લાઇફ એકસપેન્ટન્સી ૧૦ વર્ષથી વધુ વધી છેઃ બીપી ઉપરાંત તંબાકુનું સેવન, ખરાબ આહાર અને હાઇબ્લડસુગર પણ જીવલેણ

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં મોતના જોખમવાળા પાંચ મુખ્ય રોગોમાં વાયુ પ્રદુષણ (લગભગ ૧૬.૭ લાખ મોત માટે જવાબદાર) હાઇબ્લડપ્રેશર (૧૪.૭ લાખ), તમાકુનો ઉપયોગ (૧૨.૩ લાખ), ખરાબ આહાર (૧૧.૮ લાખ) અને હાઇબ્લડસુગર (૧૧.૨ લાખ) મોત માટે જવાબદાર છે.

લાન્સેટ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત 'ધ ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ (જીબીડી)'માં દુનિયાભરમાં ૨૦૦ થી વધારે દેશો અને ક્ષેત્રોમાં મોતના ૨૮૬થી વધારે કારણો અને ૩૬૯ રોગોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૧૯૯૦થી માંડીને છેલ્લા ત્રણ દાયકામાં લાઇફ એકસપેન્ટન્સી ૧૦ વર્ષથી પણ વધારે વધી છે, પણ આ બાબતે રાજયો વચ્ચે ઘણી અસમાનતા છે.

અભ્યાસ અનુસાર, ૧૯૯૦માં ભારતમાં લાઇફ એકસપેકટન્સી ૫૯.૬ વર્ષ હતી જે ૨૦૧૯માં વધીને ૭૦.૮ વર્ષ થઇ ગઇ હતી. કેરળમાં તે ૭૭ વર્ષ છે તો ઉત્તરપ્રદેશમાં ૬૬.૯ વર્ષ છે. વૈજ્ઞાનિકો અનુસાર, વાયુપ્રદુષણ પછીનું મુખ્ય ખતરનાક કારણ હાઇબ્લડપ્રેશર છે જે ભારતના આઠ રાજયોમાં ૧૦ થી ૨૦ ટકા સુધી આરોગ્યના નુકશાન માટે જવાબદાર છે.

૨૦૧૯માં તમાકુના સેવન કરવાથી ૧૨.૩ લાખ લોકોના જીવ ગયા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ભારતમાં છેલ્લા ૩૦ વર્ષોમાં આરોગ્યને નુકસાન પહોંચાડનારા કારણોમાં સૌથી મોટા કારણ હૃદયરોગ, ડાયાબીટીસ, સીઓપીડી અને વાઇ જેવા બિનચેપી રોગો છે.

(11:27 am IST)