Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડીથી સગીર વયના ૪ ભાઇ બહેનોની ગળા ચીરીને ક્રુર હત્યા

બાળકોના માતા-પિતા કોઇ કામથી બહાર ગયા હતા ત્યારે બાળકોની નિર્મ્મ હત્યાઃ મધ્યપ્રદેશથી રોજી રોટી કમાવવા આવ્યો હતો પરીવારઃ ઘટનાથી ગામમાં શોક અને ગુસ્સાનો માહોલઃ ૪ નાનકડા ભૂલકાઓની કુહાડીના ઘા ઝીંકી હત્યાઃ સગા ભાઇ-બહેનો : હાહાકાર

જલગાંવઃ મહારાષ્ટ્રના જલગાંવમાં હૃદયને હચમચાવી નાખતી ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાત્રે એક જ પરિવારના ૪ સગીર બાળકોને એક અજાણી   વ્યકિતએ કુહાડીથી કાપી નાખતા અરેરાટી ફેલાઇ છે. જાણવા મળે છે કે બાળકોના માતા-પિતા  ઘરમાં નહોતા. આ ઘટનાથી  પંથકમાં તનાવ ઉભો થયો છે. ગામમાં શોક અને ગુસ્સો જોવા મળે છે.

જળગાંવ જિલ્લાના રાવેર તાલુકાના બોરખેડા ગામમાં ચાર સગીર બાળકોનું ગળું ચીરીને હત્યા કરી નાંખવામા આવતા ખળભળાટ મચી ગયો છે. કુહાડાના ગળા ઉપર ઘા ઝીકાયા છે. ખેતીકામ કરતા મજૂર કુટુંબના મૃત બાળકોમાં બે પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. મૃતક બાળકોના માતા-પિતા આ ચારેય ભાંડરડાઓને ઘરે મૂકી ગામમાં ગયા હતા.

 અજાણ્યા હુમલાખોર સામે  પોલીસે નોંધ્યો ગુનો

આ ઘટના ગુરૂવારે ૧૫ ઓકટોબરના  રોજ ગત મધરાતે બની હોવાની શકયતા પોલીસે દર્શાવી છે. મૃત સગીર બાળકોની ૮ થી૧૩ વર્ષની વયના હતા. આ ચાર બાળકો અને અન્ય એક બાળક એમ પાંચ બાળકો સાથે આ મજૂર દંપતિ ખેતરમાં જ રહેતુ હતુ. એક સાથે ચાર સગીર બાળકોની હત્યાના સમાચાર બાદ પોલીસના ઉચ્ચધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 આ સંદર્ભે સૂત્રોનુસાર બોરગાંવની સીમમાં શેખ મુશ્તાકનુ ખેતર આવેલુ છે જેમા મયતાબ ભિલાલા તેની પત્ની અને પાંચ બાળકો સાથે ખેતરની ઓરડીમાં વર્ષોથી રહી ખેતરનુ કામ અને દેખ ભાળ કરે છે. તેના પાંચ બાળકોમાં બે પુત્રી અને ત્રણ પુત્રોનો સમાવેશ થાય છે. ભિલાલા દપતિના એકસંબંધી મધ્ય પ્રદેશમાં મૃત્યુ પામ્યા હોવાથી તેઓ નાનાપુત્રને સાથે લઇ મધ્યપ્રદેશ ગયા હતા.  પણ આ દરમિયાન ૮થી ૧૩ વર્ષની વયના બે પુત્ર અને બેપુત્રીને ઘરે જ મૂકીને ગયા હતા. ૧૬ ઓકટોબરના રોજ સવારે તેઓ મધ્યપ્રદેશથી પાછા ફર્યા ત્યારે તેનુ ઘર બંધ જોવા મળતા તેમણે બાળકોને અવાજ આપી ઘરમાં ડોકીયું કરતા બાળકો લોહીના ખોબોચીયામાં પડેલા જોવા મળ્યા હતા.  ભિલાલાએતરત જ આ વાતની જાણ પોલીસને કરતા પોલીસનો મોટા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસના ઉચ્યાધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આઘટના બાદ પોલીસે આ કેસની તપાસ માટે વિવિધ ટીમ બનાવી ડોગ સ્કવવોડ અને ગામવાસીઓની પૂછપરછ આદરી અજાણ્યા આરોપીને ઝડપી લેવા તપાસ આદરી હતી.

(11:29 am IST)