Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓકસફોર્ડની કોવિડ-૧૯ વેકિસન લોકોને વાંદરા બનાવી દેશે?

રશિયા દ્વારા ઓકસફોર્ડની કોવિડ-૧૯ અંગે વેકિસન વિચિત્ર વાતો ફેલાવવામાં આવી રહી છે

લંડન,તા.૧૭:કોવિડ-૧૯ વેકસીન મામલે બ્રિટનની ઓકસફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેકસીનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં  રશિયા દ્વારા ઓકસફોર્ડની કોવિડ-૧૯ વેકિસન વિચિત્ર વાતો ફેલાવવામાં આવી રહી છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વેકસીનમાં ચિમ્પાન્ઝી વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી લોકો વાંદરા બની જશે. રશિયન સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી બધી તસ્વીરો અને વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે યુકેમાં તૈયાર થનારી તમામ રસી ખતરનાક સાબિત થઈ શકે છે. રશિયન સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી એક તસ્વીરમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસન ડાઉનિંગ સ્ટ્રીટમાં ચાલતા દેખાય છે પરંતુ તેમની તસ્વીરને એડિટ કરીને તેમને યેતી દેખાડવામાં આવ્યા છે.

અન્ય એક તસ્વીરમાં લોકો એસ્ટ્રાઝેનેકાની વેકસીન લેવા લાઈનમાં ઊભા છે અને બાદમાં વેકસીન લીધા બાદ તેઓ વાંદરા થઈને બહાર આવે છે તેવું દેખાડવામાં આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાના ચિફ એકિઝકયુટિવ પાસ્કલ સોરિયટે આ પ્રકારની અભિયાનની ઝાટકણી કાઢી છે.

જયારે ઓકસફોર્ડ વેકસીન ગ્રૂપના ડાયરેકટર પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડે પણ તેની ટીકા કરી છે. પ્રોફેસર પોલાર્ડે જણાવ્યું છે કે, અમે જે પ્રકારની વેકસીન બનાવી રહ્યા છીએ તે અન્ય વેકસીન જેવી જ છે જેમાં રશિયન વેકસીન પણ સામેલ છે. આ તમામ વેકસીનમાં કોમન કોલ્ડ વાયરસનો ઉપયોગ કરવામા આવ્યો છે જે માણસો કે ચિમ્પાન્ઝીમાંથી લેવામાં આવે છે. અમે વેકસીન બનાવવાની આ પ્રક્રિયામાં કોઈ ચિમ્પાઝીને સામેલ કર્યો નથી. આપણા શરીર વાયરસ તરફ જોતી નથી કે જે કહે છે કે આ માણસમાંથી આવ્યો છે કે ચિમ્પાન્ઝીમાંથી. તે એક પ્રોટિનના કલેકશનને જોવે છે અને ઈમ્યુન રિસ્પોન્સ આપે છે.

(11:34 am IST)