Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નરેન્દ્રભાઇ મોદીની અપીલ રંગ લાવીઃ દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ખાદીનુ વેચાણઃ બજારમાં કાપડ-માસ્ક સહિતની વસ્તુઓએ ધુમ મચાવી

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની અપીલ તહેવારોની સિઝનમાં રંગ લાવી અને ભારતીઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બનવાની વાતને સાકાર કરી છે. દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ખાદીનું વેચાણ થયું છે. લોકડાઉનમાં ખાદીના કારીગરોની રોજીરોટી પર ખુબ અસર વર્તાઈ હતી. પરંતુ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલની અપીલ કરી ખાદી અને ગ્રામઉદ્યોગોને જીવન દાન આપ્યું છે. જેથી દેશભરમાં ખાદીનું કાપડ, માસ્ક સહિતની અન્ય વસ્તુઓ ધુમ મચાવી રહી છે.

કોરોના કાળમાં તહેવારોની સિઝનમાં ખાદીના વેચાણના રેકોર્ડ બ્રેક આંકડા સામે આવ્યા છે. આ વર્ષે 2 ઓક્ટોમ્બર બાદ માત્ર 40 દિવસમાં 4 વખત દિલ્હીના કનોટ પ્લેસના ખાદીના મુખ્ય આઉટલેટ એક દિવસમાં 1 કરોડથી વધુનો વેચાણ થયું છે. 13 નવેમ્બરે આ આઉટલેટ પર કુલ 1.11 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. જે આ વર્ષે એક દિવસમાં થયેલ વેચાણનો સૌથી વધારે આંકડો છે. આ વર્ષમાં 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે 1.02 કરોડ રૂપિયાનું ખાદીનું વેચાણ થયું છે. જ્યારે 24 ઓક્ટોબરે 1.05 કરોડ રૂપિયા અને 7 નવેમ્બરે 1.06 કરોડ રૂપિયાનું ખાદીનું વેચાણ થયું હતું.

અગાઉ વર્ષ 2018માં 4 વખત એક દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુંનું ખાદીનું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધુ 2 ઓક્ટોબર 2019ના દિવસે 1.27 કરોડ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે. મહત્વનું છે વર્ષ 2016 પહેલા ક્યારે પણ ખાદીના એક દિવસના વેચાણનો આંકડો 1 કરોડને પાર નહોંતો ગયો છે. ખાદીના વેચાણમાં પ્રથમ વખત 22 ઓક્ટોબર 2016માં એક દિવસમાં 1 કરોડની પાર આકંડો પહોંચ્યો હતો.

ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ કહ્યું કોરોના મહામારીમાં ખાદીના કારીગરોએ સતત ઉત્પાદન ચાલુ રાખ્યું અને દેશવાસીઓ પણ ખાદીની ખરીદી કરી કારીગરોનું ઉત્સાહ વધાર્યો છે.જેથી આર્થિક મંદીમાં ખાદીના વિકાસની ગતિ જળવાઈ રહી. મહત્વનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ તહેવારોમાં લોકોને લોકલ ફોર વોકલની અપીલ કરી હતી.જેથી ખાદીના વેચાણમાં સતત વધારો જોવા મળ્યો છે.

(3:57 pm IST)