Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભાજપની ઓપનિંગ બેટ્સમેનની જોડીને શા કારણે પેવેલિયન કરવામાં આવી ?

ભાજપના હાઇકમાન્ડે શા માટે ગુજરાતમાં સમગ્ર નેતૃત્વ પરિવર્તન જ નહિ આખે આખી સરકાર બદલાવી નાખી ? : સમૃધ્ધ ગુજરાત હાથમાંથી જાય એ ભાજપને કદી પોસાય તેમ નથી : કડવો નિર્ણય લેવા પાછળનું રસપ્રદ વિષ્લેષણ

નવી દિલ્હી,તા. ૧૮: ગુજરાત રાજયની ભારતીય જનતા પાર્ટીની ઓપનિંગ બેટ્સમેનની જોડી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને શા માટે બેક ટુ પેવેલિયન કરવામાં આવી?

ઓપેનિંગ બેટ્સમેન એટલા માટે? કારણ - ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાતનાં ૨૫ વર્ષનાં શાશનકાળ દરમ્યાન સાલ ૨૦૧૬માં ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં મુખ્યમંત્રીનાં શાશનકાળને પૂર્ણવિરામ આપ્યા બાદ – પહેલી વાર ભાજપનાં નેતૃત્વ વાળી સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમ બે સ્થાન પર નેતાઓને બેસાડવામાં આવ્યા હતા, એટ્લે ભાજપની ઓપેનિંગ બેટ્સમેનની જોડી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યાનાં સમાચાર ભારતનાં પત્રકારત્વ જગતની એતિહાસિક હેડલાઇન બની જે માત્ર અને માત્ર રાજકોટ સ્થિત અકિલા અખબારે બ્રેક કરી. ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન થશે તેવી હેડલાઈન અકિલાએ પહેલીવાર બ્રેક નથી કરી!

આ પહેલા જયારે સાલ ૧૯૮૯માં (જયારે ટેલીવિઝન, ઇન્ટરનેટ કે સેલફોન કે સોશિયલ મીડિયાનાં માધ્યમનો જમાનો ન હતો ત્યારે) 'સ્વર્ગીય શ્રી માધવસિંહભાઈ સોલંકી ગુજરાતની ધુરા સંભાળવા દિલ્હીથી ગુજરાત આવવા રવાના થયા છે' એ સમાચાર પણ અકિલાએ ખાસ 'વધારાનાં' માધ્યમથી બ્રેક કર્યા હતા અને ત્રણ કલાક એટ્લે અંદાજે ૧૮૦ મિનિટ સુધી અકિલા એ સમાચાર બ્રેક કરવામાં અગ્રેસર રહ્યું હતું.

સંદર્ભ ૅં વધારો એટ્લે અકિલા સાંધ્ય દૈનિક અખબાર જયારે ૩ વાગ્યે પૂર્ણ થઈ ગયું હોય અને છપાઈ ગયું હોય ત્યારેબાદ થયેલી કોઈ મોટી ઘટના હોય તો તેને અકિલા સાંધ્ય દૈનિક એક કે બે પાનાંનાં મોટી હેડલાઈન્સ અને મોટા અક્ષરે વધારારૂપે બહાર પાડતું. આવા વધારાઆ'ની હજારો નકલો ફેરિયાઓ મિનિટોમાં કલાકોમાં 'વધારો વધારો' અને સાથે સમાચારની હેડલાઈન જોર જોરથી બોલીને રાજકોટનાં અકિલા કાર્યાલયની બહાર અને મહત્વનાં સ્થાનો અને ચોકમાં વહેંચતા જોવા મળતા. વધારો જયારે બહાર પડે ત્યારે લીટરલી ત્યાં માણસોની ભીડ અને ટોળાં જોવા મળે જે વરસાદની મૌસમમાં ગરમા-ગરમ ભજીયાની લારી કે દુકાર પર જોવા મળે એવો માહોલ વધારો વહેંચાતો હોય ત્યાં થોડી ક્ષણો માટે સર્જાય જાય અને રૂપિયા કે બે રૂપિયાનો વધારો થોડી ક્ષણોમાં જ ઉપડી જાય. સાલ ૨૦૦૦-૨૦૦૧ સુધી આ વધારાઓની પ્રથા ચાલુ રહી. ત્યારબાદ ઇન્ટરનેટ અને મોબાઈલનાં યુગમાં અકિલા દ્વારા આવા મહત્વપૂર્ણ સમાચારો બ્રેકિંગ સમાચાર રૂપે કે ઇન્ટરનેટ વેબસાઈટનાં માધ્યમનાં સ્વરૂપે બ્રેક કરવામાં આવતા અને આવા સમાચારોની હેડલાઈન શોર્ટ મેસેજ સર્વિસ ડ્ડ એસ.એમ.એસ. સ્વરૂપે અકિલા દ્વારા વહેતી કરવામાં આવતી)

વિજયભાઈ રૂપાણી રાજીમાનું આપવા જાય, રાજ-ભવનનાં (ગવર્નરનાં નિવાસથાનમાં) ઉંબરે હજુ પગ મૂકી રહ્યા હોય અને અકિલા એ જ ક્ષણે એટ્લે ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૧નાં શનિવારનાં દિવસે જયારે અકિલા આ સમાચાર બ્રેક કરે, ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે ગુજરાતનાં રાજકારણની ૯/૧૧ની એ ક્ષણ સમી આ ઘટના આવનારા ૨૪ કલાકમાં કેવી રોચક અને રસપ્રદ રહેવાની છે, તેનો અંદાજો માત્ર પણ કોઈને આવી ન શકે.

તમામ ટેલીવિઝન ચેનલો, ડિજિટલ માધ્યમો અકિલાનાં એ સમાચારને ફોલો કરતાં જોવા મળ્યા હતા, થોડીજ ક્ષણોમાં રાજકોટ સ્થિત ટેલીવિઝનનાં પ્રતિનિધિઓએ અકિલામાં અકિલાનાં મોભી અને વડીલ મેનેજીંગ એડિટર શ્રી કિરીટભાઇ ગણાત્રાનો (શ્રી કિરીટકાકાનો) ઇન્ટરવ્યુ કરવા પહોંચી ગયા હતા.

ગુજરાતમાં જયારે આવા સમાચારો સર્જાય ત્યારે ટેલીવિઝન પર એ સમાચારની પુષ્ટિ કરતાં ઓછાંમાં ઓછી ૪૦-૫૦મિનિટ નીકળી જાય, કારણ એક તો કાર્યાલયો અને ટીવી ચેનલોનાં મથકો અમદાવાદ ખાતે અને કોઈપણ આવી રાજકીય દ્યટના ઘટે અમદાવાદથી દૂર ૩૭ કિલોમીટર ગાંધીનગરમાં.

મોબાઈલ ફોનનાં જમાનામાં કદાચે પણ આ ઘટના ઘડીનાં છઠ્ઠા ભાગમાં વહેતી થઈ જાય તો પણ ગાંધીનગર ખાતે અખબાર ભવન સ્થિત પત્રકારોને રાજભવન સુધી પહોંચતા ઓછામાં ઓછી ૨૦-૨૫ મિનિટ તો થઈ જ જાય, સરવાળે કેમેરામેન કેમેરા કીટસ કાઢે, ડ્રાઈવર ગાડી તૈયાર રાખે તો પણ બીજી ૧૫ મિનિટ તેમાં ઉમેરીને ચાલો, એવી પરિસ્થિતીમાં પણ એ સમાચારને કેમેરામાં કંડારતા ઓછામાં ઓછી ૪૦-૫૦ મિનિટ અને ત્યાં સુધીમાં ઉત્ત્।ર ભારતનાં પત્રકારોની ભાષામાં કહું તો, 'રાયતા ફૈલ ચુકા હોતા હૈ ઔર સમેટના મુશ્કિલ હો જાતા હૈ ...'

તો આ વાત હતી કે, ગુજરાતનાં રાજકારણની ૯/૧૧ની એ રાજકીય ઘડી અકિલા બ્રેક કરવામાં સમગ્ર ભારતમાં કેટલું અગ્રેસર રહ્યું.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને એન્ટી-ઈંકમ્બેંસી

આ સમાચાર બ્રેક થતાંની સાથે ટેલીવિઝન ચેનલ પર વિશ્લેષકો હવે કોણ મુખ્યમંત્રી બનશે અને જ્ઞાતિગત સમીકરણો પર ચર્ચાઓ કરી રહ્યા હતા, અને બધુ એઝ યુઝઅલ ચાલી રહ્યું હતું.

કયાંયે એ વિષે વાત ન હતી કે ભારતીય જનતા પાર્ટી આ પગલું ગુજરાતમાં શું કામ લઈ રહી છે?

એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે, કોરોનાની પહેલી લહેર હળવી થતાંની સાથે જ સાલ ૨૦૨૧ ફેબ્રુઆરીમાં ગુજરાત રાજયમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચુંટણીઓમાં સર્વત્ર ભગવો લહેરાયો છે અને ભાજપ મજબૂત પક્ષ તરીકે ઊભરી આવ્યો!

સુરતને બાદ કરતાં જયાં આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો પર સાવરણો ફેરવ્યો હતો.

દક્ષિણ ગુજરાતચ્યા રાજા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનાં નેજા હેઠળ લડાયેલી આ સર્વપ્રથમ ચૂંટણીમાં પક્ષે અને નેતાઓએ એન્ટી-ઈંકમ્બેંસી લીટમસ ટેસ્ટ પસાર કરી નાખી હોવાની વાતને સર્વત્ર સમર્થન મળ્યું.

એન્ટી-ઈંકમ્બેંસી એટ્લે શું? એન્ટી-ઈંકમ્બેંસી એટ્લે સત્તા વિરોધી લહેર કે કોઈ પદ કે હોદ્દાને ધારણ કરનાર વિરુદ્ઘનું મોજું.

ગુજરાત રાજયમાં ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા જીતાયેલી સીટોની સંખ્યામાં પણ ઉમેરો થયો અને વોટશેરમાં પણ ધરખમ વધારો થયો, અર્થાત – પક્ષ કે નેતાઓ સામે એન્ટી-ઈંકમ્બેંસીનું ફેકટર છે જ નહીં એ સાબિત થઈ ગયું!

કોરોનાની બીજી લહેર અને એન્ટી-ઈંકમ્બેંસી

ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાયેલી આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેંટમાં સ્ટેડિયમમાં જમા થયેલી જંગી મેદનીને કારણે કોરોનાની બીજી લહેરને સંભવત જોક મળ્યો અને માર્ચ ૨૦૨૧ સુધીમાં કોરોનાની બીજી લહેરનાં લક્ષણો ગુજરાતમાં મજબૂત રીતે દેખાવા લાગ્યા.

'કોરોના હારશે અને ગુજરાત જીતશે'નાં સૂત્રો સાથે કોરોનાને હંફાવવા રાત્રિ કરફ્યુનું હથિયાર ઉગામવામાં આવ્યું.

એપ્રિલ ૨૦૨૧ આવતા-આવતા બીજી લહેર પર સવાર કોરોના ભૂરાયા આખલા કે માતેલા સાંઢની રદ્યવાયો થયો, હોસ્પિટલોમાં ખાટલે ખોટ, આઙ્ખકસીજનનાં બાટલે ખોટ અને શ્વાશોશ્વાશનાં સાધનોમાં ખોટ વર્તાવવા લાગી, હોસ્પિટલોમાં મૃતદેહોનાં ગંજ ખડકાયા, સ્માશનોમાં લાકડા ખૂંટયા, સ્માશનો પણ ખૂંટયા અને સ્માશનોની ધાતુમાંથી બનેલી ચીમનીઓ પણ ઓગળવા માંડી, ઓછામાં પૂરું હતું તો લાઈફ સેવિંગ ડ્રગ્સ (રેમડસીવીર) માટે ૪૨-૪૩ ડિગ્રી તાપમાં લાંબી કતારો જોવા મળી, દવા માટે પડા-પડી સર્જાઈ, દવાની સંગ્રહખોરીએ અને નકલી દવાનાં વેપલાએ માઝા મૂકી.

સિસ્ટમ ફેલિયર, સરકારની નિષ્ફળતામાં પરિણામવા માંડી.

એન્ટી-ઈંકમ્બેંસીની કોઈ લહેર સરકાર કે નેતાઓ વિરુદ્ઘ નથી એવી વાતને સમર્થન મળ્યે હજુ મહિનો પણ નહોતો થયો કે સિસ્ટમ ફેલિયરએ સરકારી નિષ્ફળતાનું રૂપ ધારણ કરી લીધું હતું અને એ સરકારી નિષ્ફળતા એન્ટી-ઈંકમ્બેંસીમાં પરિણામી હતી.

આ બધું જયારે થઈ રહ્યું હતું અને મીડિયા તેની નોંધ લઈ રહ્યું હતું અને સાથે-સાથે ન્યાયપાલિકા પણ આ મુદ્દે સતર્ક થઈને સુઓ મોટો – જાહેર હિતની અરજી દાખલ કરી.

આ બધું જયારે ગુજરાતમાં થઈ રહ્યું હતું ત્યારે કેન્દ્રની નેતાગીરી આ તમામ પરિસ્થિતીનું સીહાવલોકન કરી રહી હતી.

એ સમયે એક એવી ચોક્કસ વાત વહેતી થઈ હતી કે, 'તોફાન પહેલા હમેશા શાંતિ હોય છે, હવે ગુજરાતમાં નેતાગીરીમાં પરીવર્તન આવી રહ્યું છે, એ વાત એટ્લે વહેતી કરવામાં આવી હતી કારણ કે ગુજરાતની પ્રજાને એક રાહત મળે અને નેતૃત્વ પરિવર્તન માટે પ્રજાને  એકલેમેટાઈઝ (માનસિક રીતે તૈયાર) કરી શકાય કે પરીવર્તન આવી રહ્યું છે ...' એવું રાષ્ટ્રીય સ્વયં સંદ્યનાં એક વરિષ્ઠ નેતાનું કહેવું છે.

હાલમાં થયેલા નેતૃતત્વ પરીવર્તન પછી એવા અહેવાલો પણ વહેતા થયા છે કે, જે નેતાઓને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની સાથે છેલ્લા છ (૬) મહિનાથી કેન્દ્રની નેતાગીરી સંપર્કમાં હતી અને તેમને વ્યવસ્થિત રીતે નેતાગીરી માટે (માનસિક રૂપે) તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે, આ ઉપરોકત સમગ્ર પ્રક્રિયાની સત્તા-સ્થાને રહેલા કોઈપણ નેતાને ગંધ શુદ્ઘા પણ આવી નથી.

રાષ્ટ્રીય સ્તરે પક્ષનું ફલક અને અનેક પડકારો!

જયારે ભારતીય જનતા પક્ષનાં કોઈ કાર્યકર કે નેતા વાત કરે ત્યારે એવો અંદેશો આવે કે ભાજપ હવે સત્તા સ્થાનેથી આગામી ૨૫-૫૦ વર્ષ સુધી હટશે જ નહીં અને ટકી રહેશે.

પણ, જો તમે ભારતનાં નકશા પર એક નજર નાખશો તો તમને સ્પષ્ટપણે દેખાઈ આવશે કે ભારતીય જનતા પક્ષ માત્ર અને માત્ર ચાર રાજયોમાં જ સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમતીની સરકાર ધરાવે છે!

જી હા, ભાજપ હાલમાં ૧૮ રાજયોમાં સત્તા સ્થાને છે પણ સ્પષ્ટ અને સંપૂર્ણ બહુમત ભાજપ પાસે માત્ર અને માત્ર ભારતનાં ચાર રાજયોમાં જ છે, જેમાં ઉત્ત્।ર ભારતમાં બે રાજયો – હિમાચલ પ્રદેશ અને ઉત્ત્।રખંડ અને પશ્યિમ ભારતમાં એકમાત્ર રાજય ગુજરાત અને દક્ષિણમાં એકમાત્ર રાજય કર્ણાટક! આ સિવાય ભાજપ બાકીનાં ૧૩ (તેર) રાજયોમાં સાથી પક્ષો કે ઘટક દળો સાથે સત્તામાં છે.

જેમાં ઉત્ત્।ર ભારતમાં હરિયાણા, મધ્ય અને મધ્ય પૂર્વ ભારતમાં ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર (જેને અંગ્રેજી પત્રકારત્વમાં હિન્દી હાર્ટલેંડ તરીકે સંબોધવામાં આવે છે), પૂર્વ ભારતમાં સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેદ્યાલય, આસામ, પશ્ચિમ ભારતમાં ગોવા અને દક્ષિણ ભારતમાં તામિલનાડુ.

ભારતમાં આવેલા કુલ ૩૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાત (૭) કેન્દ્ર શાસીત પ્રદેશો છે જયારે ૩૦ રાજયો છે જેમાથી ભારતીય જનતા પક્ષ ૧૮ રાજયોમાં સત્તા-સ્થાને કેન્દ્રિત છે અને તેમાં માત્ર ૪ (ચાર) રાજયોમાં ભાજપ સ્પષ્ટ અને સંપૂર્ણ બહુમતીની સરકાર ધરાવે છે.

તો સમસ્યા કયાં છે?

નાણાકીય સંચાલન અને આર્થિક વ્યવસ્થાઓ

સમસ્યાનો ઉકેલ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કલેકશનનાં આંકડાઓમાં છુપાયેલો છે.

જો તમે જીએસટી કલેકશનનાં આંકડાઓ પર નજર નાખો તો, જે ચાર રાજયોમાં ભાજપની સરકાર સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમત ધરાવે છે તે ચાર રાજયોનો કુલ જીએસટીમાં સરેરાશ હિસ્સો અંદાજે ૧૯.૫૦% છે, જેમાં ગુજરાત ૮%, કર્ણાટક ૯%, ઉત્ત્।રાખંડ ૧.૫% અને હિમાચલ પ્રદેશ ૧% નું યોગદાન કરે છે.

જયારે અન્ય ૨૮% હિસ્સો ભાજપ જયાં સાથી અને ઘટક પક્ષો સાથે સત્તા સ્થાને છે તેવા અન્ય ૧૪ રાજયોમાંથી આવે છે, જેમાં તામિલનાડુ ૮%, ઉત્ત્।રપ્રદેશ ૬.૭૫%, હરિયાણા ૬%, મધ્યપ્રદેશ ૩%, બિહાર ૧.૨૫%, આસામ ૧%, ગોવા ૦.૫% અને અન્ય સાત ઉત્ત્।ર પૂર્વીય રાજયો સિક્કિમ, અરુણાચલપ્રદેશ, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, મેદ્યાલય ભેગા થઈને કુલ ૦.૫% નું યોગદાન કરે છે.

જયારે સરેરાશ ૫૧.૨૪% હિસ્સો પંજાબ (૧.૫%), દિલ્હી (૪.૫૫%), રાજસ્થાન (૩.૬૫%), પશ્યિમ બંગાળ (૪.૬૧%), જારખંડ (૨.૬૬%), ઓડિશા (૩.૧૩%), છતીસગઢ (૨.૬૮%), મહારાષ્ટ્ર (૧૯.૧૧%), કેરળ (૧.૯૭%), તેલંગાણા (૪.૪૯%), આંધ્રપ્રદેશ (૨.૯૧%) રાજયોમાંથી આવી રહ્યો છે જયાં ભાજપનું શાશન નથી.

અન્ય સાત કેન્દ્રશાશિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ, દમણ-દીવ, દાદરા-નગર હવેલી, લક્ષદ્વીપ, પુડુચેરી અને અંદામાન-નિકોબાર તરફથી કુલ યોગદાન માત્ર ૧.૨૫% છે.

ઉપરોકત પરિસ્થિતી અને આંકડાઓ પર નજર નાખો તો ભારતીય જનતા પાર્ટી પાસે કેન્દ્રમાં સત્તાસ્થાને હોવાં છતાં ભાજપ શાશિત પ્રદેશોમાંથી અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાથી કુલ મળીને ૪૯% જ હિસ્સો જ છે જયારે બિનભાજપ શાશિત રાજયોનો હિસ્સો ૫૧% છે.

એમાં પણ ચીનની અવળચંડાઈને લઈને ઉત્ત્।ર પૂર્વીય રાજયોથી આવક ઓચ્છી અને જાવક વધારે, એવો દ્યાટ છે, એ પરિસ્થિતિમાં જીઇએસટીની કુલ આવકમાં સરેરાશ ૮% જેટલું યોગદાન ધરાવતું નાણાકીય કોથળી સમાન ગુજરાત રાજય પરની આર્થિક-સામાજીક-રાજકીય (ઈકો-સોશ્યો-પોલીટિકલ) પકકડ ભારતીય જનતા પાર્ટી ઢીલી કરી શકે તેમ નથી.

બીજું કે પશ્ચિમ ભારત જે એક પ્રકારે સમૃદ્ઘ પટ્ટો છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્યિમ મધ્ય-પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને ઉત્ત્।રીય કર્ણાટક અને ગોવાનો સમાવેશ થાય છે, તેમાં ભાજપ પાસે મુખ્ય નાણાકીય ભંડોળનો સ્ત્રોત મહારાષ્ટ્ર હાથમાંથી ચાલ્યું ગયું છે, ત્યાં શિવસેના અને કોંગ્રેસની યુત્ત્િ। વાળી મહા વિકાસ અગાડીની સરકાર છે, આવી પરિસ્થિતીમાં ભાજપને ગુજરાત ગુમાવવું કોઈ કાળે પોસાય તેમ નથી.

અને એટલેજ નેતૃત્વ અને નેતાગીરી પરીવર્તનનો આ આખે-આખો અણધાર્યો ખેલ પાડી દેવામાં આવ્યો છે.

સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં આ પ્રકારે નેતૃત્વ અને નેતાગીરી પરીવર્તન કરવામાં આવે એટ્લે જયાં જયાં ભાજપ ઘટકપક્ષો અને સાથી પક્ષો સાથે બિરાજમાન છે એ તમામ સ્થાને આ સંદેશો ચાલ્યો જાય કે 'જરૂર પડ્યે'ૅ ભાજપ દ્વારા આવો નિર્ણય તેમનાં રાજયમાં પણ લેવાઈ શકે છે.

આવી અણધાર્યા નેતૃત્વ અને નેતાગીરી પરીવર્તનની પ્રક્રિયા હાથ ધરવાનો બીજો ફાયદો જે એક રાજકીય વિશેષજ્ઞ સમજાવે છે તે એ છે કે, એન્ટી-ઈંકમ્બેંસી છે તે વાત સૌ કોઈ જાણે છે પરંતુ એન્ટી-ઈંકમ્બેંસીને પક્ષ જે ખુદ જયારે ખાળી દે તો એન્ટી-ઈંકમ્બેંસીની વાત જ હવા થઈ જાય.

ખેર જે હોય તે, ગુજરાતમાં નેતૃત્વ અને નેતાગીરીનું આ પરીવર્તન કેવા પરિણામો લઈ આવશે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે, જ્ઞાતિગત રાજકીય સમીકરણો, વિકાસ અને પ્રગતિનાં મુદ્દાઓ પર ચોક્કસ ભારે પડી રહ્યા છે.

સામે પક્ષે મધ્યમ-વર્ગીય રાજનીતિ ગુજરાતનાં દ્વારે રાહ જોઈને બેઠી છે, એવી પરિસ્થિતિમાં ભાજપ માટે ચોક્કસ કપરા ચઢાણો અને અનેક પડકારો છે, પણ ગુજરાતનાં ૪ કરોડ મતદાતાઓમાથી જયારે ૧.૨૫ કરોડ કાર્યકર્તાઓ કોઈ એક પક્ષ કે તે પક્ષની વિચારધારાને કેટલા વરેલા છે તે તો ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જ કહી શકશે, 'કમળ પર પંજો ભારી પડશે કે સાવરણો સાફ-સફાઈ કરશે.'

વર્ષ ૨૦૧૮નું જૂન મહિનાની ૨૬ તારીખે ધ આઈરિશ ટાઈમ્સમાં ફિનતાન ઓ તુલ દ્વારા લખાયેલા અને પ્રકાશિત થયેલા એક લેખ, 'ટ્રાયલ રન્સ ઓફ ફાસીઝમ આર ઈન ફૂલ ફ્લો'માં તેણે લખ્યું છે કે, કોઈપણ વિચારધારા કે રાજકીય પક્ષને સત્તાસ્થાને રહેવા માટે ૧૦માંથી ૪ મતોની આવશ્યકતા રહે છે.

આ લેખની લિંક અત્રે આપેલી છે : 

https://www.irishtimes.com/opinion/fintan-o-toole-trial-runs-for-fascism-are-in-full-flow-1.3543375

(3:44 pm IST)