Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સાંપ્રદાયિક તણાવ ફેલાવવા બદલ કંગના પર FIRનો આદેશ

વિવાદોની ક્વિન ફરી એક કેસમાં સપડાઈ : કોર્ટેમાં અરજદાર દ્વારા કંગના ટ્વિટ્સથી હિન્દુ-મુસ્લિમ કલાકારોમાં ભાગલા પાડવાનું કામ કરતી હોવાનો આરોપ

મુંબઈ,તા.૧૭ : કંગના રનૌત પોતાની ફિલ્મોથી વધારે આજકાલ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. કંગના માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમાજ અને પોલિટિક્સ પર પણ ઘણીવાર નિવેદનો આપે છે. હાલમાં જ આવા કેટલાક નિવેદનો પર ઘણો વિવાદ થયો હતો અને લોકોએ તેની ટિકા પણ કરી હતી. એવામાં કંગનાના કેટલાક આવા જ નિવેદનોના આધાર પર મુંબઈની એક કોર્ટે તેની વિરુદ્ધ FIR દાખલ કરાવવાના આદેશ આપ્યા છે. હકીકતમાં એક અરજીકર્તાએ આરોપ લગાવ્યો છે કે કંગના રનૌત સતત ન્યૂઝ ચેનલમાં આપેલા નિવેદનો અને પોતાના ટ્વિટ્સ દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. અરજીકર્તાએ એમ પણ કહ્યું કે, ઘણીવાર કંગના રનૌતે પોતાના ટ્વીટ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારોમાં ભાગલા પાડવા તથા સામાજિક દ્વેષ વધારવાનું કામ કર્યું છે. મુંબઈની બ્રાન્દ્રા કોર્ટે આ અરજીના આધાર પર કંગના રનૌત તથા તેની બહેન રંગોલી ચંદેલ પર એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

કંગના રનૌતના ટ્વિટર એકાઉન્ટ પર એક નજર કરીએ તો હાલમાં જ તેણે પેરિસમાં એક શિક્ષકનું માથું કાપી નાખવાની ઘટના પર ટ્વિટ કર્યું હતું. આ સાથે જ દેશમાં પણ એક હિન્દુ મહિલાનું મુસ્લિમ પતિએ માથું કાપી નાખ્યું હોવાનો દાવો કરતા ટ્વીટને ટાંકીને કહ્યું હતું કે, હિન્દુના જીવનની કોઈ કિંમત નથી? આ સાથે કંગના રનૌતે થોડા દિવસો પહેલા પણ દેશમાં ખેડૂત બિલનો વિરોધ કરતા લોકોને આતંકવાદી સમાન ગણાવી દીધા હતા. જોકે બાદમાં તેણે વધુ એક ટ્વીટ કરીને આવા શબ્દો ખેડૂતો માટે કહ્યા હોવાનું કોઈ સાબિત કરે તો માફી માગીને ટ્વિટર છોડવાની વાત કહી હતી.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ કંગના રનૌત સતત બોલિવૂડમાં નેપોટિઝમ, ગ્રુપબાજી અને ધાર્મિક આધાર પર ભેદભાવ કરાતો હોવાના આરોપ લગાવી ચૂકી છે. કંગનાએ પોતાના ઘણા વિડીયો અને ઈન્ટરવ્યૂમાં ખુલીને બોલિવૂડના કેટલાક સેલેબ્રિટી પર સણસણતા આરોપો લગાવ્યા છે. જોકે આ આરોપો પર ન તો કંગનાએ ક્યારેય ફરિયાદ નોંધાવી છે અને ના તો તે તેને સાબિત કરી શકી છે.

(12:00 am IST)