Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ફર્નિચર અને ઇલે.વાહનો પર અસર દેખાશે

બજેટમાં ડઝનબંધ આઇટમો પરની આયાત ડ્યુટી ૫ થી ૧૦ ટકા વધશે

નવી દિલ્હી,તા. ૧૯: કેન્દ્ર સરકાર બજેટની તૈયારીમાં લાગી છે. ૧ ફેબ્રુઆરીથી બજેટ રજુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુંસાર એવું મનાઈ રહ્યું છે કે આ વખતના બજેટમાં સરકાર સ્માર્ટફોન, ઈલેકટ્રોનિક ઉપકરણો સહિત ૫૦થી વધારે વસ્તુઓ પર આયાતના કરમાં ૫થી ૧૦ ટકાનો વધારો કરી શકે છે. ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી પીએમ મોદીના આત્મનિર્ભર ભારત યોજનાનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાથી દેશમાં મેન્યુફૈકચરિંગને વધારો મળશે.

સૂત્રોના જણાવ્યાનુસાર મનાઈ રહ્યુ છે તે આ ઉત્પાદનોની આયાત પર ઈમ્પોર્ટ ડ્યૂટી ૫-૧૦ ટકા સુધી વધારી શકે તેમ છે. સરકારનો પ્રયાસ બિનજરુરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવવાનો છે. જેથી મેક ઈન ઈન્ડિયા અંતર્ગત તે ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં જ કરી શકાય.

સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર ડ્યૂટીમાં વધારો ફર્નિચર અને ઈલેકિટ્રક વાહનોને અસર કરી શકે છે. ઉલ્લેખનયી છે કે સરકારનું આ પગલુ ટેસ્લા પર પણ અસર કરી શકે છે. કેમ કે આ વર્ષે ટેસ્લા ભારતમાં પોતાની કારો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે સરકારના રેવેન્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર સરકાર ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારીને ૨૦થી ૨૧ હજાર કરોડ રુપિયાની વ્યવસ્થા કરી શકે છે. નોંધનીય છે કે બજેટમાં ફ્રીજ, એસી, ફર્નિચર અને ઈલેકિટ્રક વાહનો પર ડ્યૂટી વધી શકે છે.

કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજુ સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રજુ થશે. આ બજેટથી તમામને ઘણી આશા છે. પરંતુ સરકારની સામે સૌથી મોટો પડકાર દેશના ઈકોનોમિક ગ્રોથને પાટે લાવવાનો છે. આવનારા બજેટને લઈને તમામ લોકો પોત પોતાના સૂચનો આપી રહ્યા છે. આ સાથે બજેટ ૨૦૨૧- ૨૨ની ચર્ચાઓમાં લોકોની વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારે  MyGov પ્લેટફોર્મની સુવિધા આપી હતી.

(2:57 pm IST)