Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કોરોનાના ડરથી ૩ મહિના અમેરિકન એરપોર્ટમાં છુપાઇ રહ્યો એક ભારતીય યુવક

વોશિંગ્ટન તા. ૧૯ : શિકાગો એરપોર્ટ પર એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ન ફકત સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. પરંતુ કોરોના સંક્રમણ પ્રત્યે લોકોમાં ડરની ઝલક પણ જોવા મળી છે. ગાર્જિયનના રિપોર્ટ મુજબ ભારતીય મૂળનો અમેરિકન વ્યકિત ૩૬ વર્ષનો આદિત્ય સિંહ કોરોના સંક્રમણ ફેલાવા દરમિયાન એટલો ગભરાઈ ગયો હતો કે તે ૩ મહિના સુધી એરપોર્ટ પર છુપાઈ રહ્યો હતો. આદિત્યએ એરપોર્ટ ઓપરેશન મેનેજરનો બેઝ પણ ચોર્યો હતો અને પ્રવાસીઓ તથા અન્ય સ્ટાફ પાસેથી જમવાનું તથા પૈસા માંગીને ગુજરાન ચલાવ્યું હતુ.રિપોર્ટમાં જણાવ્યાનુંસાર આદિત્ય શિકાગો એરપોર્ટના સિકયોર સેકશમાં છુપાયેલો હતો. જયારે પોલીસે તેને પકડ્યો તો તેણે જણાવ્યું કે કોરોના સંક્રમણની ઝપેટમાં આવવાના ખતરા અંગે વિચારીને ડરી ગયો હતો. જેથી પ્રવાસ કરવાથી દુર રહ્યો હતો. મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના ઘર લોસ એન્જેલસથી શિકાગો પહોંચ્યો હતો. અને પછી બહાર ન જઈને તે ૩ મહિનાઓ સુધી અહીં જ હતો. એટલે કે ૧૯ ઓકટોબર ૨૦૨૦થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ સુધી. આદિત્યને એરપોર્ટ ઓથોરિટીએ ગત અઠવાડિયે પકડ્યો હતો. હવે તેના પર ચોરી, છેતરપિંડી અને દુરાચારનો મામલો ચાલી રહ્યો છે. ૩૬ વર્ષીય આદિત્ય સિંહને શનિવારે ત્યારે પકડવામાં આવ્યો જયારે એરપોર્ટ સ્ટાફે પોતાની ઓળખ આપવા કહ્યું. આદિત્યએ જવાબમાં એક બેઝ તરફ ઈશારો કર્યો. જોકે આ બેઝ એક ઓપરેશન મેનેજરનો હતો જેણે ઓકટોબરમાં તેના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.આદિત્યએ કોર્ટમાં જણાવ્યું કે તેણે એરપોર્ટ પર કથિત રીતે એક બેઝ પડ્યો હતો તે કોરોના કારણે બહાર જવાથી ડરતો હોવાથી તેણે તે ઉઠાવી લઈ વાપરી લીધો હતો. પોલીસના જણાવ્યાનુંસાર આદિત્ય સિંહ ૧૯ ઓકટોબરે એક વિમાનમાં લોસ એજેલસથી ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો હતો.આસિસ્ટેન્ટ પબ્લિક ડિફેન્ડર કર્ટની સ્મોલવુડના જણાવ્યાનુંસાર આદિત્ય સિંહ લોસ એન્જેલ્સના એક ઉપનગરમાં રહે છે તેમનું કોઈ ક્રિમિનલ બેગ્રાઉન્ડ નથી. જો કે તે શિકાગો કેમ આવ્યા હતા તે સ્પષ્ટ થઈ શકયુ નથી. તેમને જામીન માટે ૧ હજાર ડોલર ભરવા પડશે અને ત્યાં સુધી તેમના પર એરપોર્ટ પર પ્રવેશવાને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જજ ઓર્ટિજે કહ્યું કે કોર્ટ આ તથ્યો અને પરિસ્થિતિઓને ચોંકાવનારી માને છે કે આટલા સમય સુધી તે અહીં રહ્યો. લોકોની સુરક્ષિત યાત્રા માટે એરપોર્ટ સંપૂર્ણ સુરક્ષિત હોવું જોઈએ. શિકાગો એરપોર્ટ વિભાગે નિવેદન આપ્યું છે કે આ ઘટના તપાસાધિન છે. જોકે અમે જોયું કે આ સજ્જને એરપોર્ટ પર પ્રવાસ કરનારા કોઈ મુસાફર માટે ખતરો ઊભો કર્યો નથી.

(2:58 pm IST)